Placeholder canvas

ગુજરાતમાં સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓની ચૂંટણી પહેલાં કોંગ્રેસ ફરી તૂટવાની શકયતા..!!

રાજ્યમાં બે મહિના પછી આવી રહેલી ચૂંટણીઓ જીતવા માટે ભાજપ એડીચોટીનું જોર લગાવશે, કોંગ્રેસના જીતી શકે તેવા ચહેરા ભાજપમાં જોવા મળી શકે છે…!!!

ગુજરાતમાં આવી રહેલી સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓની ચૂંટણી પહેલાં પ્રદેશ કોંગ્રેસ ફરી એક વાર તૂટવાના એંધાણ છે. કોંગ્રેસના કેટલાક સ્થાનિક નેતાઓ ભાજપની નજીક આવી રહ્યાં છે અને ટિકીટ માટેની ગોઠવણ પણ કરી રહ્યાં છે. બીજી તરફ કોંગ્રેસના જે સભ્યો ચૂંટણી જીતી શકે છે તેઓ થોડાં સમયમાં ભાજપમાં જોવા મળે તો નવાઇ ન પામતા…!

એક સિનિયર નેતાએ કહ્યું હતું કે ગુજરાતનો રાજકીય ઇતિહાસ છે કે નરેન્દ્ર મોદીનું કદ જો મોટું થયું હોય તો તેમને મળેલી નેગેટીવ પબ્લિસિટી છે. મોદીને પોઝિટીવ સેન્સમાં કોંગ્રેસના નેતાઓએ ક્યારેય જોયા જ નથી. મોદીને ગાળો આપવાથી ચૂંટણી જીતી જવાય છે તેવું નહીં પણ ચૂંટણી હારી જવાય છે તેવો પ્રચાર કોંગ્રેસે હવે શરૂ કરવો જોઇએ, કેમ કે ગુજરાતની છેલ્લી છ ચૂંટણીના પરિણામો બતાવે છે કે કોંગ્રેસ કેટલા પાણીમાં છે.

પંજાબ અને ગોવાની ચૂંટણીમાં કારમી હાર પછી દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલને બ્રહ્મજ્ઞાન થયું હતું કે– મોદીને ગાળો દેવાથી ચૂંટણી જીતી શકાતી નથી. તેમણે તેમની સ્ટેટજી બદલીને મોદીનું નામ લેવાનું બંધ કર્યા પછી દિલ્હીની પેટાચૂંટણીમાં તેમની પાર્ટીનો કેન્ડિડેટ જીતી ગયો હતો. મોદી વિરૂદ્ધ જાહેરમાં પ્રવચન નહીં કરવાનો કેજરીવાલનો કિમિયો સફળ રહ્યો હતો.

આ આગેવાને કહ્યું હતું કે ગુજરાતમાં મોદીને ગાળો આપવાથી કોંગ્રેસને હંમેશા નુકશાન જ થયું છે છતાં પ્રદેશના નેતાઓની આંખ ખૂલતી નથી. કોંગ્રેસે મોદીને 2002, 2007, 2012 અને 2017ની વિધાનસભા તેમજ 2014 અને 2019ની લોકસભાની ચૂંટણીમાં ગાળો આપવાનું સતત ચાલુ રાખતાં કોંગ્રેસ સાફ થઇ ગઇ છે. લોકો માટે પાર્ટી શું વિચારે છે. પાર્ટીનો ભાવિ પ્લાન શું છે. કોંગ્રેસ લોકો માટે શું કરવા માગે છે તેની પાર્ટીમાં કોઇ પ્રસિદ્ધિ કરતું નથી તેથી કોંગ્રેસ હારે છે.

રાજ્યમાં ફેબ્રુઆરીમાં સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓ જેવી કે જિલ્લા અને તાલુકા પંચાયતો, નગરપાલિકા અને મહાનગરપાલિકાઓની ચૂંટણીઓ આવી રહી છે ત્યારે કોંગ્રેસના સ્થાનિક નેતાઓએ ભાજપ સાથેના સંપર્ક બનાવી દીધા છે. એવી જ રીતે કોંગ્રેસના ચૂંટણી જીતી શકે તેવા વર્તમાન સભ્યોની યાદી ભાજપ બનાવી રહ્યું છે કે જેથી ચૂંટણી પહેલાં ટિકીટ વહેંચણી સમયે કોંગ્રેસના સભ્યોને ભાજપમાં ભેળવીને ટિકીટ આપી ચૂંટણી લડાવી શકાય.

આ સમાચારને શેર કરો