Placeholder canvas

કોંગ્રેસની માંગ:મોરબી દુર્ઘટનામાં ચીફ ઓફિસર અને પદાધિકારીઓ વિરુદ્ધ પગલાં ભરો.

મોરબી : મોરબીમાં ઘટેલી ઝૂલતા પુલ દુર્ઘટનાને લઈને મોરબી શહેર કોંગ્રેસ સમિતિ દ્વારા જવાબદારો સામે નામ જોગ ફરિયાદ દાખલ કરવા અને મોરબી નગરપાલિકાના ચીફ ઓફિસર સહિતના અધિકારી અને પદાધિકારીઓને સસ્પેન્ડ કરી તેમની સામે કડક કાર્યવાહી કરવાની માંગણી કરી છે.

મોરબી શહેર કોંગ્રેસ સમિતિ દ્વારા જણાવવામાં આવ્યું છે કે, આ દુર્ઘટનાની સંપૂર્ણપણે તટસ્થ અને ન્યાયિક તપાસ થવી જોઈએ. મોરબી નગરપાલિકા અને ઓરેવા ગ્રુપની બેદરકારી છે તે જગજાહેર છે અને પાલિકા ચીફ ઓફિસર પણ મનફાવે તેવા નિવેદનો કરીને જવાબદારીમાંથી હાથ ખંખેરવા માંગે છે ત્યારે તેઓને પણ સસ્પેન્ડ કરવામાં આવે અને મોરબી પાલિકાના પદાધિકારીઓ, ઓરેવા ગ્રુપ એમડી અને નગરપાલિકાના સદસ્યો સામે નામજોગ ફરિયાદ કરી કડક કાર્યવાહી કરવામાં આવે તેવી માંગ મોરબી શહેર કોંગ્રેસ પ્રમુખ રાજુભાઈ કાવર, મહેશભાઈ રાજ્યગુરુ અને રમેશભાઈ રબારીએ કરી છે.

કોંગ્રેસે એવો આરોપ લગાવ્યો છે કે, આ દુર્ઘટનામાં નાના કર્મચારીઓ પર ફરિયાદ કરી મુખ્ય જવાબદાર લોકોને બચાવવાનું કામ ગુજરાત સરકાર અને પોલીસ દ્વારા કરવામાં આવી રહ્યું છે. હકીકતમાં નગરપાલિકાએ જનરલ બોર્ડમાં ઠરાવ કરી કરારો ઉપર સહી સિક્કા કર્યા હોય એ જવાબદાર તમામ સામે કડકમાં કડક કાર્યવાહી કરવામાં આવે તેવી કોંગ્રેસ દ્વારા માંગ કરવામાં આવી છે.

આ સમાચારને શેર કરો