Placeholder canvas

બોર્ડની પરીક્ષામાં ડિજિટલ ઘડિયાળ, હથિયાર લાવે, ઉત્તરવહીમાં ચલણી નોટ લગાવે, નિશાની કરે તો પરિણામ રદ થશે!

ધો. 10-12ની પરીક્ષા પહેલા બોર્ડે ગેરરીતિ આચરનાર ઉમેદવાર સામે કરવામાં આવનારી શિક્ષાનું કોષ્ટક જાહેર કર્યું

ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા આગમી તારીખ 11 માર્ચથી લેવાનારી ધોરણ 10 અને 12ની બોર્ડની પરીક્ષા પહેલા કેટલાક મહત્ત્વના નિર્ણય કર્યા છે. જેમાં પરીક્ષા દરમિયાન જો વિદ્યાર્થી કોઈ ગેરરીતિ કરતો પકડાય, મોબાઈલ કે ડિજિટલ ઘડિયાળ સાથે લાવે, ઉત્તરવહીમાં ચલણી નોટ લગાવે, નિશાની કરે, અન્ય કલરની પેન વાપરે તો પરિણામ રદ થશે.

શિક્ષણ બોર્ડે તાજેતરમાં જ જાહેર કરેલા એક્શન પ્લાન સાથે પરીક્ષા દરમિયાન ગેરરીતિ આચરતા પરીક્ષાર્થીઓને કરવામાં આવનારી શિક્ષાનું કોષ્ટક પણ જાહેર કર્યું છે. રાજકોટમાં ધોરણ 10 અને 12ના કુલ 80,347 વિદ્યાર્થી અને સૌરાષ્ટ્રના 11 જિલ્લામાં 3,67,818 વિદ્યાર્થી બોર્ડની પરીક્ષા માટે નોંધાયા છે. પરીક્ષા દરમિયાન ગેરરીતિ ન થાય તે માટે બોર્ડે સંચાલકો માટે માર્ગદર્શિકા પણ જાહેર કરાઈ છે.

આવું કરશો તો પરિણામ રદ થશે…

  • મદદ કરવાની વિનંતી સાથે જવાબવહીમાં ચલણી નોટ જોડી હોય.
  • પરીક્ષાર્થીએ પરીક્ષા ખંડમાંથી પ્રશ્નપત્ર, જવાબવહી બહાર ફેંકી દીધી હોય તો
  • પરીક્ષાર્થી કે તેના પ્રતિનિધિ મુખ્ય ઉત્તરવહી/પુરવણી ફાડી નાખે, લખાણ સાથે ચેડાં કરે.
  • પરીક્ષાર્થીએ પરીક્ષા ખંડમાં લખેલી ઉત્તરવહીને બદલે બહારથી લખેલી પુરવણી પરીક્ષા પૂરી થયા બાદ બદલાવવાનો પ્રયત્ન કરે કે બદલાવે.
  • પરીક્ષાર્થી પરીક્ષા ખંડમાંથી જવાબવહી, પુરવણી બહાર લઈ જાય
  • પરીક્ષાર્થી પરીક્ષાખંડમાંથી કોઈ પણ કારણસર બહાર જવાની પરવાનગી લઈને અનધિકૃત વ્યક્તિને મળે તો
  • જવાબવહીમાં પરીક્ષાર્થી પોતાને પાસ કરવા પરીક્ષકને લાલચ આપતું લખાણ કરે.
  • પરીક્ષાર્થી અથવા તેમના પ્રતિનિધિ, વાલી જવાબવહીમાં ગુણ વધારી આપવા પરીક્ષકનો સંપર્ક સાધે, પરીક્ષકને લાંચ આપવાનો પ્રયત્ન કરે/લાંચ આપે તો.
  • પરીક્ષા ખંડમાં નકલ કે ઉતારો કરતાં પકડાય.
  • પરીક્ષા દરમિયાન ઉમેદવાર પાસે વિષયને લગતી હસ્તલિખિત કાપલી, નોટ્સ, માર્ગદર્શિકા, ટેક્સબુક, નકશો વગેરે હોય તો
  • મુખ્ય જવાબવહી ચાલુ પરીક્ષા દરમિયાન કે પરીક્ષા પૂરી થયે લઈને જતા રહે તો.
  • પરીક્ષાખંડમાં પરીક્ષાર્થી બીજા પરીક્ષાર્થીને ચબરખી, મુખ્ય પુરવણી જવાબવહી પસાર કરી હોય, તે હાથમાં જવાબવહી એવી રીતે પકડીને ઊંચી રાખે કે જેથી બાજુનો કે પાછળનો વિદ્યાર્થી તે વાંચી શકે.
  • જવાબવહી અથવા પુરવણી જવાબો પરીક્ષાર્થી બહારથી લખીને પરીક્ષા ખંડમાં લાવ્યા હોય તો
  • મૂળ પરીક્ષાર્થીને બદલે તેની સંમતિથી, સંમતિ વગર અન્ય વ્યક્તિ પરીક્ષામાં બેઠી હોય તેમ સાબિત થાય તો
  • પરીક્ષા સ્થળે ગેરશિસ્તભર્યું વર્તન કરવા માટે
  • પરીક્ષા સ્થળે મારામારી કે હિંસક કૃત્ય કરવા માટે અથવા ઘાતક હથિયાર લાવવા માટે અથવા ઇજા પહોંચાડી શકે તેવું સાધન લાવે.
  • જવાબવહીમાં પરીક્ષાર્થી ઓળખ માટે કોઈ નિશાની કરે, અન્ય રંગની સહીથી લખે તો
  • પરીક્ષાર્થી મુખ્ય જવાબવહી પુરવણીમાં ગેરરીતિભર્યું લખાણ લખે અપશબ્દો લખે તો
  • વર્ગમાં સામૂહિક ચોરીના કિસ્સાઓ બને.
  • CCTV ફૂટેજમાં પરીક્ષાર્થી દ્વારા બિનઅધિકૃત સાહિત્ય લાવેલું દેખાય તો
  • CCTV ફૂટેજમાં બિનઅધિકૃત સાહિત્યની આપ-લે કરતા જણાય તો / તેમાંથી જવાબવહીમાં ઉતારો કરતા જણાય તો
  • ઉમેદવાર વર્ગખંડમાં મોબાઇલ અથવા અન્ય પ્રતિબંધિત ઉપકરણો જેવા કે કેમેરાવાળી ઘડિયાળ/સ્માર્ટ ઘડિયાળ, કેમેરાવાળું કેલ્ક્યુલેટર/સાયન્ટિફિક કેલ્ક્યુલેટર વગેરે લાવેલ હોય.
  • પરીક્ષાર્થીને વોટ્સએપ, ઈ-મેલ, સોશિયલ મીડિયા દ્વારા પ્રશ્નપત્ર મળ્યાનો સંદેશ પ્રશ્નપત્ર શરૂ થયા અગાઉ મળે તો
  • પરીક્ષાર્થીને બહારથી કોઈ પણ વ્યક્તિ દ્વારા લખાવવામાં આવે અથવા આવ્યું હોય તે સાબિત થાય તો
આ સમાચારને શેર કરો