Placeholder canvas

બોર્ડની પરીક્ષાનો શાંતિપૂર્ણ પ્રારંભ : કેન્દ્રો પર વિદ્યાર્થીઓનું તિલક અને ફૂલથી સ્વાગત કરાયું.

ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા આજે રાજયભરમાં ધો. 10 અને 12ની પરીક્ષાનો શાંતિપૂર્ણ વાતાવરણમાં પ્રારંભ થયો છે. તેની સાથે જ રાજયભરમાં પરીક્ષા ફીવર છવાઇ જવા પામેલ છે. પરીક્ષાના પ્રથમ દિવસે તમામ પરીક્ષા કેન્દ્રો પર વિદ્યાર્થીઓને કુમકુમ તિલક કરી ગુલાબના ફુલ આપી શુભેચ્છા આપવામાં આવી હતી.

સૌરાષ્ટ્ર-કચ્છના ચાર લાખથી વધુ વિદ્યાર્થીઓ આપે છે. પરીક્ષાના આજે પ્રથમ દિવસે સવારના સેશનમાં ધો.10માં ગુજરાતી-હિન્દી-અંગ્રેજી પ્રથમ ભાષાના અને ધો.12 સામાન્ય પ્રવાહમાં સહકાર પંચાયત વિષયના પ્રથમ પેપર લેવામાં આવી રહ્યા છે. જયારે બપોરના સેશનમાં ધો.12 સામાન્ય પ્રવાહમાં એકાઉન્ટ તેમજ વિજ્ઞાન પ્રવાહમાં ફીઝીકસ વિષયના પેપર લેવામાં આવનાર છે. આ પરીક્ષામાં ચોરી અને ગેરરીતિની ઘટનાઓ પર રોક લગાવવા માટે ખાસ પ્રબંધો કરવામાં આવેલ છે.

જેમાં સંવેદનશીલ અને અતિ સંવેદનશીલ પરીક્ષા કેન્દ્રો પર વર્ગ-1 અને રના અધિકારીઓ તૈનાત કરવામાં આવેલ છે. આ ઉપરાંત જિલ્લાવાઇઝ ફલાઇંગ અને સ્થાનિક સ્કવોર્ડોએ આજે પરીક્ષાના પ્રથમ દિવસથી જ પરીક્ષા કેન્દ્રોની તપાસણી શરૂ કરી દીધી છે. આ પરીક્ષા માટે રાજયમાં 1700 જેટલા અધિકારીઓને વિશેષ ફરજ સોંપવામાં આવી છે. વિદ્યાર્થીઓના શૈક્ષણિક ભાવીની આ કસોટીનો આજથી પ્રારંભ થતા જ રાજયભરમાં પરીક્ષા કેન્દ્રો વિસ્તારમાં 144મી કલમ લાગુ કરી દેવામાં આવી છે.

આ સમાચારને શેર કરો