Placeholder canvas

ખેડૂતની નજર સામે જ ટ્રેકટર ભડકે બળ્યું, સદનસીબે જાનહાની ટળી

ખેડૂતની નજર સામે જ ટ્રેક્ટર પળવારમાં બળીને ખાખ થઇ ગયું હતું. જેથી અફડાતફડી મચી હતી. આ ઘટનામાં ખેડૂતને મોટુ આકસ્મિક નુકસાન આવી પડતા આફતનો પહાડ તૂટી પડ્યો હતો. સદભાગ્યે કોઇ જાનહાની થઇ નહોતી. પાણીના મારા સાથે ભારે જહેમત બાદ આગ પર કાબુ મેળવાયો હતો.ઇસદ્રા ગામના ખેડૂત ભુરાભાઇ મોતીભાઇ રબારીની વાડીએ ઘાણી કાઢવા માટે બાજુના ગામના ખેડૂત દલસુખભાઈ વાલજીભાઈનુ થ્રેસર આવેલુ હતુ.

આ સમય દરમિયાન ટ્રેક્ટરના વાયરીંગમાં અચાનક શોકસર્કીટ થતાં ટ્રેક્ટરમાં અચાનક ભયાવહ આગ ભભુકી ઉઠી હતી. એમા પાણી પુરતું ન હોવાથી અને લાઇટ ન હોવાથી ખેડૂતોએ તાત્કાલિક ઇસદ્રા ડીવીઝનમા ફોન કરી થ્રી ફેઇઝ પાવરની રજૂઆત કરી હતી.પણ વીજપુરવઠો આવતા આવતા સંપૂર્ણ ટ્રેક્ટર આગની લપેટમાં આવી ગયુ હતું. આ સમય દરમિયાન ધ્રાંગધ્રા ફાયરબ્રિગેડને પણ જાણ કરી હતી. પરંતુ અંતર આઠ કીલોમીટર હોવાથી ફાયર ફાઇટર આવતા વાર લાગી હતી.

આ સમયે વિજપુરવઠો આવી જતા પાણીની મોટરથી આગને કાબુમા લીધી હતી. આ ઘટનાથી બંને ખેડૂતોની સાથે આજુબાજુના ખેડૂતોના શ્વાસ અધ્ધર થઇ ગયા હતા. સદનસીબે આ આગની ઘટનામાં એક ખેડૂતનો તૈયાર મોલ બચી ગયો હતો. પરંતુ એક ખેડૂતનું ટ્રેક્ટર પળવારમાં ખેડૂતની નજર સામે સળગીને ભસ્મીભૂત થયુ હતુ. એ ખેડૂત પરિવાર માથે આકસ્મિક આર્થિક નુકસાન આવતા આફતનો પહાડ તૂટી પડ્યો હતો. સદનસીબે આ ઘટનામાં કોઈ જાનહાની કે ઇજા થઇ ન હતી.

આ સમાચારને શેર કરો