Placeholder canvas

ખોડિયારપરામાં મંદિરે ધજા ચડાવી રહેલા યુવકનું વીજશોકથી મૃત્યુ.

રાજકોટ: આજીવસાહતમાં ખોડીયારપરામાં આવેલા મેલડી માતાજીના મંદિરે ધ્વજારોહણ કાર્યક્રમમાં ધજા ચડાવી રહેલા યુવકને વીજશોક લાગ્યો હતો તેને બચાવવા જતા આધેડને પણ વીજકરંટ લાગતા બંનેને સારવાર માટે સરકારી હોસ્પિટલમાં ખસેડવામાં આવતા યુવકને મૃત જાહેર કર્યો હતો.આ અંગે આજીડેમ પોલીસ મથકના સ્ટાફે કાર્યવાહી કરી હતી.

મળેલી માહિતી મુજબ,આજી વસાહતમાં આવેલા ખોડિયારનગરમાં રહેતા રવીરાજ શિવકુભાઈ સોનારા (ઉ.વ.19) અને લગધીરસિંહ બળવંતસિંહ જાડેજા (ઉ.વ.45) ગઈકાલે વિસ્તારમાં આવેલા મેલડી માતાના મંદિરે હતા ત્યારે વીજશોક લાગતા બન્નેને સરકારી હોસ્પિટલમાં ખસેડાયા હતાં.જયાં રવિરાજનું મૃત્યું નિપજ્યું હતું. જયારે લગધીરસિંહને સારવાર માટે વોર્ડમાં દાખલ કરાયા હતાં.

ખોડીયારપરામાં આવેલા મેલડી માતાજીનાં મંદિરે માંડવા અને ધ્વજારોહણનો કાર્યક્રમ હોય ગઈકાલે રવીરાજ મંદિરે ગયા બાદ મંદિરની ઉપર લગાવેલી ધ્વજા કાઢી નવી ધ્વજા ચડાવવા મંદિર ઉપર ચડયો હતો.દરમિયાન ધ્વજાનો પાઈપ કાઢી રહ્યો હતો.ત્યારે નજીકમાં વૃક્ષ પાસેથી પસાર થતા વીજવાયર સાથે પાઈપ અડી જતા તેને વીજશોક લાગ્યો હતો.આ સમયે નીચે રહેલા લગધીરસિંહ તેને બચાવવા જતા તેને પણ વીજશોક લાગ્યો હતો.

બંનેને સિવિલમાં ખસેડાયા હતાં.જયાં રવીરાજને જોઈ તપાસી ફરજ પરના તબીબે મૃત જાહેર કર્યા હતા.આ અંગે થોરાળા પોલીસે જરૂરી કાગળો કર્યા હતા.તેમજ જુવાન પુત્રના મૃત્યુથી પરિવારમાં શોક છવાયો છે.રવીરાજ બે ભાઇમાં મોટો હતો અને કારખાનામાં મજૂરી કામ કરી પરિવારને મદદરૂપ થતો હતો.

આ સમાચારને શેર કરો