Placeholder canvas

સદભાવના વૃદ્ધાશ્રમને અનેકવિધ સેવાકીય કાર્યો માટે આશિર્વાદ આપતા કથાકાર ભુપેન્દ્રભાઈ પંડ્યાજી

વૃધ્ધાશ્રમ એ ભારતીય સંસ્કૃતિ નથી જ પરંતુ આજના કળીયુગની જરૂરીયાત તો છે જ. કમનસીબે સંયુકત કુટુંબ વ્યવસ્થા તુટતા જતા ઘણા વડીલો નિરાધાર બનતા જાય છે. સદ્દભાવના વૃધ્ધાશ્રમ આવા વડીલોને સાચવવાનું કાર્ય કરે છે.

આ વૃદ્ધાશ્રમ ગુજરાતનું સૌથી મોટું વૃદ્ધાશ્રમ છે. આ વૃધ્ધાશ્રમમાં નાત-જાત કે ધર્મનાં ભેદભાવ વિના જરૂરીયાતવાળા વૃધ્ધોને, નિયમાનુસાર અને સંસ્થાની પ્રવેશ મર્યાદામાં, આદરભેર દાખલ કરી તમામ સુવિધાઓ વિનામુલ્યે આપવામાં આવે છે. વૃધ્ધાશ્રમમાં દાખલ થતા જરૂરીયાતમંદ વૃધ્ધો પાસેથી કોઈપણ ફી, ચાર્જ કે લવાજમ લેવામાં આવતું નથી. તમામ સુવિધાઓ વડીલોને વિનામુલ્યે આપવામાં આવે છે. આ વૃધ્ધાશ્રમમાં હાલ 375 જેટલા માવતરો પોતાની પાછોતરી જીંદગીની ટાઢક લઈ રહયાં છે. તેમાંથી 175 વડીલો તો પથારીવશ (ડાઇપર વાળા) છે.

સંસ્થા દ્વારા અન્ય સેવાકીય પ્રવૃત્તિઓ પણ ઉલ્લાસભેર કરવામાં આવે છે. ગુજરાતને ગ્રીન સ્ટેટ બનાવવાનાં સંકલ્પ સાથે કાર્યરત સદભાવના વૃધ્ધાશ્રમ આજે દરેક શેરીઓ, મહોલ્લાઓ અને સૉસાયટીઓમાં જાણીતું બન્યું છે. તે રાજ્યને ગ્રીન બનાવવાનું પણ અભિયાન ચલાવી રહયું છે જે અંતર્ગત ખૂબ ટૂંકા સમયમાં 15,00,000 વૃક્ષો વિનામૂલ્યે પીંજરા સાથે વાવી તેનું જતન કરવામાં આવ્યું છે. તેના જતન માટે સંસ્થાનાં 120 ટ્રેકટર અને 120 ટેન્કર વડે વૃક્ષોને નિયમીત રીતે પાણી પીવડાવી 600 લોકોનો પગારદાર સ્ટાફ આ અભિયાન ચલાવી રહી છે તેમજ સંસ્થા દ્વારા બળદ આશ્રમ પણ ચલાવામાં આવે છે જેમાં 500 બળદોને આશરો અપાયો છે. સંસ્થાના તમામ અભિયાન પાછળ અંદાજીત 90 કરોડથી પણ વધુનો ખર્ચ કરવામાં આવ્યો છે.

સદભાવના વૃદ્ધાશ્રમમાં વિખ્યાત કથાકાર ભુપેન્દ્રભાઈ પંડ્યાજી મુલાકાતે પધાર્યા હતા. તેમણે સંસ્થાને તેમની અનેકવિધ સેવાકીય પ્રવૃત્તિઓ બદલ ખુબ જ અબિનંદન આપ્યા હતા. ‘અમારે માવતર જોઈએ છે’ તેવી સદભાવના વૃદ્ધાશ્રમની અનોખી જાહેરાત માટે તેમણે સંસ્થાને અભિનંદન પાઠવ્યા તેમજ વડીલોની સેવા કરવા બદલ આશિર્વાદ આપ્યા હતા.

આ પ્રસંગે સમાજ શ્રેષ્ઠીઓ છબીલભાઈ પોબારુ, રમેશભાઈ ઠક્કર, વિજયભાઈ ડોબરિયા, ધીરેન્દ્રભાઈ કાનાબાર, ગૌરાંગભાઈ ઠક્કર, ડૉ ભાવેશ કાનાબાર, ડો.પરાગ દેવાણી તેમજ પરેશ ગોકાણીએ પૂજ્ય ગુરુજી, વિશ્વ વિખ્યાત કથાકાર ભુપેન્દ્રભાઈ પંડ્યાજીનું સ્વાગત કર્યું હતું. તેઓએ સંસ્થાની માનવ સમાજ તેમજ પર્યાવરણને લગતા સેવાકાર્યને બિરદાવ્યુ હતું. 

આ સમાચારને શેર કરો