Placeholder canvas

વાંકાનેર: ભલગામમાં મામાના ઘરે આવેલી બાળકીને ઝેરી જનાવર કરડી જતા મોત

ભલગામની ઘટના રાતના સૂતેલી બાળકીને કાનમાં ઝેરી જનાવર ડંખ દીધો હતો

વાંકાનેરના ભલગામમાં પરિવાર સાથે મામાના ઘરે રોકાવા આવેલી ૩ વર્ષની બાળકીને કોઇ ઝેરી જનાવર કરડી જતાં સારવાર અર્થે રાજકોટ સિવિલ હોસ્પિટલમાં ખસેડાઇ હતી. જ્યાં ચાલુ સારવારમાં મોત નિપજતા પરિવારમાં અરેરાટી મચી જવા પામી છે.

મળતી વિગત મુજબ ગાંધીનગર ખાતે રહેતી અર્પિતા જીતેશભાઈ સોલંકી (ઉ.વ.૩) વાંકાનેરના ભલગામ ખાતે લખાભાઈ ભરવાડની વાડીમાં રહેતા અને ખેતમજૂરી કરતા પોતાના મામા ગોપાલભાઈ માનસીંગભાઈ પરમારના ઘરે માતા-પિતા સહિત પરિવાર સાથે રોકાવા આવી હતી. ગત રાત્રે સાડા બારેક વાગ્યે અર્પિતા વાડીમાં આવેલા મામાના મકાનમાં તેમની માતા અને પરિવારના અન્ય સભ્યો સાથે સુતી હતી. ત્યારે અચાનક તે જાગી ગઇ હતી અને કાનમાં કંઇક કરડી ગયું હોવાનું જણાવી રડવા લાગી હતી. જેથી પરિવારના સભ્યો જાગી ગયા હતા અને તુરંત બાળકીને પ્રથમ વાંકાનેર બાદ રાજકોટ સિવિલમાં આવેલ બાળકોની કે.ટી. ચિલ્ડ્રન હોસ્પિટલમાં ખસેડી હતી. મોડી રાત્રે અઢી વાગ્યા આસપાસ સારવાર દરમિયાન અર્પિતાએ દમ તોડી દીધો હતો.

પોલીસ સુત્રોનાં જણાવ્યા મુજબ અર્પિતાના પિતા જીતેશભાઈ ગાંધીનગરમાં શાકભાજીનો વ્યવસાય કરે છે, જીતેશભાઈને સંતાનમાં ૪ પુત્રી અને ૧ પુત્ર છે.

આ સમાચારને શેર કરો