Placeholder canvas

પીએસઆઈ સોનારાની ત્રણ વર્ષ કેદની સજા યથાવત્ રાખતી સુપ્રીમ કોર્ટ…

જુનાગઢના ભેંસાણ પોલીસ સ્ટેશન ખાતે ફરજ બજાવતા ત્યારે ફરિયાદીને ઢોર માર મારી, માથે ટકો કરી જાહેરમાં સરઘસ કાઢી કાળું મોઢું કરવાના કેસમાં સરેન્ડર કરવા સુપ્રીમ કોર્ટનો હુકમ…

જૂનાગઢ જિલ્લાના વિસાવદરના ભેંસાણ પોલીસ મથક વિસ્તારમાં ફરિયાદીને પોલીસ સ્ટેશનમાં ઢોર માર મારી, ફરિયાદીના મોટાભાઇના હાથે ફરિયાદીના માથે ટકો કરાવી ગામમાં સરઘસ કાઢી, મોંઢુ કાળુ કરવાના પોલીસ એટ્રોસીટીના ચકચારભર્યા કેસમાં નીચલી કોર્ટે આરોપી પીએસઆઇ સહિત ત્રણ પોલીસ કર્મચારીઓને ફટકારેલી અને હાઇકોર્ટે યથાવત્ રાખેલી સજાના ચુકાદા સામે પીએસઆઇ બળવંત સોનારા (બી.પી.સોનારા) સહિતના પોલીસ કર્મીઓ તરફથી સુપ્રીમકોર્ટમાં કરાયેલી અપીલ જસ્ટિસ સંજીવ ખન્ના અને જસ્ટસિ એસ.વી.એન. ભટ્ટીની ખંડપીઠે આકરા વલણ સાથે ફગાવી દીધી હતી. અને સુપ્રીમકોર્ટે આરોપી પોલીસ કર્મચારીઓને ત્રણ સપ્તાહમાં સરન્ડર કરવા પણ ફરમાન કર્યું હતું. તેમજ જો આરોપી પોલીસ કર્મચારીઓ સરન્ડર ના થાય તો તેમની વિરૂધ્ધ પગલાં લેવાનો આદેશ પણ કરેલ છે.

આ કેસમાં તા. ૨૭-૦૨-૨૦૧૭ના રોજ ભેંસાણના ફર્સ્ટ ક્લાસ જ્યુડી. મેજી. હર્ષિત ડાયાભાઇ પટેલે પીએસઆઇ બી. પી. સોનારાને 3 વર્ષની સખત કેદની સજા અને 6,000 નો દંડ તેમજ રમેશભાઇ, દાદુભાઇ અને રામજીભાઇને 1-1 વર્ષની સાદી કેદની સજા અને 1-1 હજાર નો દંડ ફટકાર્યો હતો. પીએસઆઇ સહિત ચારેયએ એડી. સેશન્સ કોર્ટમાં અપીલ કરી હતી. જેમાં વીસાવદરના ચોથા એડી. સેશન્સ જજ પી. એમ. સાયાણીએ ચારેયની સજા કાયમ રાખી હતી અને તેઓએ ચૂકવેલી દંડની રકમ ફરિયાદીના પરિવારને આપવાનો હુકમ કર્યો હતો. જોકે, આ દરમ્યાન હેડ કોન્સટેબલ દાદુભાઇ મીસરીભાઇ મેરનું મૃત્યુ થતાં તેની સામેની અપીલએ મુજબ એબેટ ગણી ફેસલ કરવાનો હુકમ કર્યો હતો. જેની સામે આરોપી પોલીસ કર્મચારીઓ તરફથી કરાયેલી રિવીઝન અરજી ગુજરાત હાઇકોર્ટે ફગાવી દીધી હતી અને સજાનો હુકમ યથાવત રાખ્યો હતો. જેથી હાઇકોર્ટના આ ચુકાદા સામે પીએસઆઈ બળવંત પ્રભાતભાઇ સોનારા તથા અન્યો દ્વારા સુપ્રીમ કોર્ટમાં કરાયેલી સ્પેશ્યલ લીવ પટિશનનો સખત વિરોધ કરતાં પોલીસ એટ્રોસીટીનો ભોગ બનનાર ફરિયાદી તરફથી એડવોકેટ ભૌમિક ઢોલરિયાએ રજૂઆત કરતાં જણાવ્યુ હતું કે, કરાયેલી એસએલપી ટકી શકે તેમ નથી કારણ કે, આ પોલીસ એટ્રોસીટીનો એક અસાધારણ કેસ છે કે, જેમાં નિર્દોષ ફરિયાદીને પોલીસ મથકમાં અને જાહેરમાં ઢોર માર મારી, ખુદ તેના ભાઇ દ્વારા જ તેનો ટકો કરાવી જાહેરમાં સરઘસ કાઢી મોંઢુ કાળુ કરી થર્ડ ડિગ્રી ટોર્ચર આપી ગંભીર ઇજા પહોંચાડવાનો કેસ છે. ખુદ પોલીસ દ્વારા જ સુપ્રીમકોર્ટના ડી. કે. બાસુના જજમેન્ટ અને માર્ગદર્શિકાઓનું સરેઆમ ઉલ્લંઘન આ કેસમા થયું છે, ત્યારે સુપ્રીમકોર્ટે આરોપીઓની પિટિશન ફગાવી દેવી જોઈએ તેવી દલીલો ગ્રાહ્ય રાખી સુપ્રીમકોર્ટે આરોપી પોલીસ કર્મચારીઓની પિટિશન ફગાવી દઇ ત્રણ અઠવાડિયામાં સરન્ડર કરવા ફરમાન કર્યું હતું. અત્રે ઉલ્લેખનીય છે કે પીએસઆઇ બી.પી. સોનારા હાલમાં વાંકાનેર તાલુકામાં પોલીસ મથકમાં પીએસઆઇ તરીકે ફરજ પર છે.

આ સમાચારને શેર કરો