વાંકાનેર: કેરાળાના સંરપંચ વિરુદ્ધ એટ્રોસિટીની ફરિયાદ કરતા સા. ન્યાય સમિતિના ચેરમેન
વાંકાનેરમાં કેરાળા ગ્રામ પંચાયતના સામાજિક ન્યાય સમિતિના ચેરમેન અને સરપંચ વચ્ચે શાબ્દિક બોલાચાલી થઈ હોવાની ઘટના સામે આવી છે. જ્યાં સરપંચ દ્વારા ચેરમેનને જ્ઞાતિ વિશે અપમાનિત કરતા સમગ્ર મામલો વાંકાનેર સિટી પોલીસ મથક ખાતે પહોંચ્યો છે. અને ચેરમેન દ્વારા સરપંચ વિરુદ્ધ ફરિયાદ દાખલ કરવામાં આવી છે.
જેમાં ફરિયાદી રમેશભાઈ દામજીભાઈ લઢેરે કેરાળા ગ્રામ પંચાયતના પ્રમુખ નરગીસબેન આરીફભાઈ બાદી વિરુદ્ધ ફરિયાદ દાખલ કરતા જણાવ્યું હતું કે તેઓ ગત તા.7 મે 2022 ના રોજ કેરાળા ગ્રામ પંચાયત કચેરીમાં જુના નવા કામોની ચર્ચા કરવા માટે ગ્રામ પંચાયતના સભ્યો અને સરપંચ સાથે એકઠા થયા હતા. એ સમયે મિટિંગ દરમિયાન રમેશભાઈ સહિત તમામ સભ્યોએ સરપંચ નરગીસબેનને એવું જણાવવ્યુ હતું કે તેમના પતિ ગ્રામ પંચાયતનો વહીવટ ન કરી શકે. તેના પ્રત્યુર સ્વરૂપે નરગીસબેન દ્વારા એવું જણાવવામાં આવ્યું હતું કે. તેમની આ બાબતે બહુમતી છે અને તેઓ ઈચ્છે તો કોઈને પણ સરપંચ પદે બેસાડી શકે એવું કહ્યું હતું અને રમેશભાઈને જ્ઞાતિ પ્રત્યે અપમાનિત કર્યા હતા.
આ બાબતે રમેશભાઈએ તેમને અટકાવ્યા પરંતુ નરગીસબેન અટક્યા નહીં અને સતત તેમને અપમાનિત કર્યા હતા. આ બાબતે રમેશભાઈએ ગત તા.7 જૂનથી 4 ઓગસ્ટ 2022 દરમ્યાન જિલ્લા સમાજ કલ્યાણ અધિકારીને સમગ્ર બાબતે લેખિતમાં અરજી કરી હતી. જેને ધ્યાને લઈને ગત તા. 30 ઓગસ્ટના રોજ કેરાળા ગ્રામ પંચાયત ઓફિસ ખાતે હાલના તલાટી કમ મંત્રી પ્રવિણ સોલંકીએ રમેશભાઈને અરજી સંબંધે બોલાવ્યા હતા અને સમગ્ર બનાવને હકીકત જાણીને તપાસનો રિપોર્ટ કર્યો હતો. આમ રમેશભાઈને નરગીસબેન દ્વારા અપમાનિત કરવામાં આવતા તેમણે વાંકાનેર સિટી પોલીસ મથક ખાતે ફરિયાદ દાખલ કરી છે.
આ ફરિયાદીના આધારે પોલીસે એટ્રોસીટી એકટ કલમ ૩(૧)(R)(S) મુજબ ગુનો નોંધીને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.