Placeholder canvas

અશોકભાઈ પટેલની આગાહી: આ સપ્તાહમાં ઠંડીનો ચમકારો અનુભવાશે, તાપમાન 4થી7 ડીગ્રી ઘટશે

તા.19થી21 રાજયભરમાં ધુમ્મસ સર્જાવાની સંભાવના

રાજકોટ: સૌરાષ્ટ્ર-ગુજરાતમાં બે દિવસથી ઠંડી ગાયબ થવા સાથે ગરમીનો માહોલ સર્જાયા બાદ આ સપ્તાહમાં ફરી વખત ઠંડીનો ચમકારો અનુભવાશે અને તાપમાનમાં 5થી7 ડીગ્રીનો ઘટાડો થવાની આગાહી જાણીતા વેધર એનાલીસ્ટ અશોકભાઈ પટેલ દ્વારા કરવામાં આવી છે.

આગાહીમાં તા.16થી18 દરમ્યાન ગરમીનો માહોલ સર્જાવાનું અને તાપમાન ઉંચકાવાનું સૂચવ્યું હતું તે મુજબ ગઈકાલથી તાપમાન વધી ગયુ છે. રાજયભરમાં મહતમ તાપમાન નોર્મલથી એક થી ત્રણ ડીગ્રી વધી ગયું હતું.

તેઓએ કહ્યું કે સવારથી વેસ્ટર્ન ડીસ્ટર્બન્સ ઉતરભારતના રાજયોને અસરકર્તા બનવા લાગશે અને તેના પ્રભાવ હેઠળ તા.18થી22 દરમ્યાન કાશ્મીર-હિમાચલ જેવા પર્વતીય રાજયોમાં હિમવર્ષા તથા મેદાની ભાગોમાં વરસાદ થવાની સંભાવના છે. તા.17થી19 ફેબ્રુ.ની સૌરાષ્ટ્ર-ગુજરાત માટેની આગાહી કરતા અશોકભાઈ પટેલે જણાવ્યું હતું કે તા.19મીથી તાપમાન નીચુ આવવા લાગશે.

આજ રીતે મહતમ તાપમાન પણ તા.19થી21 ફેબ્રુ. દરમ્યાન 2થી3 ડીગ્રી નીચુ આવશે અને તા.22થી24 દરમ્યાન વધુ બે થી ચાર ડીગ્રી ઘટશે. હાલ મહતમ નોર્મલ તાપમાન 30થી32 ડીગ્રી ગણાય છે. આગાહીના સમયગાળામાં તે 28થી32 ડીગ્રીની રેન્જમાં રહેશે.

તેઓએ વધુમાં જણાવ્યું હતું કે તા.19થી22 ફેબ્રુ.માં પવન પશ્ચિમી હશે અને ત્યારબાદ ઉતર-ઉતરપશ્ચિમી પવન ફુંકાશે. તા.21 સુધી પવનની ઝડપ 10થી20 કી.મી.ની રહેશે. આ દરમ્યાન ઝાટકાના પવનની ગતિ 20થી30 કી.મી. થઈ શકે છે. તા.22થી24 પવનની ગતિ ઘટીને 7થી15 કી.મી.ની થશે. આ સિવાય તા.19થી21 ફેબ્રુ. દરમ્યાન ગુજરાતમાં મોટાભાગના વિસ્તારોમાં ધુમ્મસ સર્જાવાની સંભાવના છે. કચ્છ, સૌરાષ્ટ્ર, દક્ષિણ ગુજરાત, મધ્ય ગુજરાત અને ઉતર ગુજરાત એમ દરેક ભાગોમાં ઓછામાં ઓછા એકાદ-બે દિવસ ધુમ્મસ રહેશે.

આ સમાચારને શેર કરો