Placeholder canvas

પેપર ફોડનારાઓ વિરુદ્ધ કડક સજાની જોગવાઈ કરતો કાયદો લાવો : આપ

મોરબી : જુનિયર ક્લાર્કની પરીક્ષાનું પેપર લીક થવા મામલે મોરબી આમ આદમી પાર્ટીએ કલેકટર મારફત મુખ્યમંત્રીને રજુઆત કરી પેપરલીક કૌભાંડની તટસ્થ તપાસ કરી વિધાનસભાના આગામી સત્રમાં સ્પર્ધાત્મક પરીક્ષાઓના પેપરો ફૂટવાના સંદર્ભમાં આકરી સજાની જોગવાઈ કરતો કાયદો લાવવા માંગ ઉઠાવી છે.

મોરબી આમ આદમી પાર્ટીએ કલેકટર મારફત મુખ્યમંત્રીને રજુઆત કરીને જણાવ્યું હતું કે, ગઈકાલે યોજાનારી જુનિયર ક્લાર્કની પરીક્ષાનું પેપર ફૂટી ગયું અને પરીક્ષા રદ કરવી પડી. પરીક્ષા રદ કરવાનો મતલબ છે કે 9.53 લાખ યુવાનોના પરિવારના સપના રોળાઈ જવા. કરોડો રૂપિયાનો વિદ્યાર્થીઓએ કરેલો ખર્ચ એળે જવા આજે મોંધવારીના સમયમાં પરીક્ષા પાછળ પુસ્તકો, વર્ગો, વાહન ખર્ચ વગેરે મળીને એક એક વિધાર્થી ઓછામાં ઓછા 50,000 રૂપિયાનો ખર્ચ કરે છે અને બીલીકલ પરીક્ષાના દિવસે જ એને ખબર પડે છે કે પેપર ફૂટી ગયું અને પરીક્ષા રદ થઇ!! વારંવાર પેપરો ફૂટવા, પરીક્ષાઓ રદ થવી અને દર વખતે નાના નાના ગુનેગારોને પકડીને રૂટિન કામની જેમ પૂરું કરી દેવું એ શું દર્શાવે છે?

વધુમાં જણાવ્યું હતું કે, ખુબ જ દુઃખ સાથે કહેવું પડે છે કે ગુજરાતની જનતાએ ભરોસાની ભા.જ.પ સૂત્ર પર વિશ્વાસ મૂકીને જે જંગી બહુમતી સરકારને આપીએ ભરોસા પર આ સરકાર ખરી નથી ઉતરી. આથી અત્યાર સુધી ફૂટેલા તમામ પેપરો માટે કેટલા અને કોણ કોણ લોકો પકડાયા એની વિગતો જનતા સામે મુકવામાં આવે, હાલના બનાવ માટે સુપ્રીમ કોર્ટના નિવૃત ન્યાયાધીશના વડપણ હેઠળ સ્પેશિયલ ઇન્વેસ્ટિગેશન ટીમની રચના કરવામાં આવે, અત્યાર સુધીના તમામ પેપર ફૂટવાના કેસો એક જ કોર્ટમાં લાવી રોજ રોજના ધોરણે સુનાવણી કરી કેસો સમયમર્યાદામાં પુરા કરવામાં આવે, હાલની પરીક્ષાના ઉમેદવારોને થયેલા નુકશાન માટે દરેકને રૂપિયા 50000 વળતર આપવામાં આવે, સરકારી પ્રેસ હોવા છતાં કોના ઈશારે પેપરો ખાનગી પ્રેસોમાં છપાવવામાં આવે છે તેની પણ તપાસ કરવામાં આવે અને હવે પછી એક પણ પેપર ખાનગી પ્રેસમાં ના છપાય તેવી જોગવાઈ કરવામાં આવે, વિધાનસભાના આગામી સત્રમાં સ્પર્ધાત્મક પરીક્ષાઓના પેપરો ફૂટવાના સંદર્ભમાં આકરી સજાની જોગવાઈઓ કરતો કાયદો લાવવામાં આવે તેવી માંગ કરી છે.

આ સમાચારને શેર કરો