રાજકોટમાં હત્યાના વધુ એક બનાવ : પારકી પરણેતર સાથે સંબંધનો કરુણ અંજામ

પત્નીના પ્રેમી અખ્તરનું હુશેને છરીના ઘા ઝીંકી ઢીમ ઢાળી દીધું

રાજકોટમાં હત્યાના વધુ એક બનાવથી ખળભળાટ મચી ગયો છે. પારકી પરણેતર સાથે સંબંધનો કરુણ અંજામ આવ્યો છે. પત્નીના પ્રેમીનું પતિએ છરીના 11 જેટલા ઘા ઝીંકી ઢીમ ઢાળી દીધું હતું. નાણાવટી ચોક પાસે આવાસ ક્વાર્ટરમાં મુસ્લિમ યુવાનની હત્યા કરવામાં આવી હોવાની જાણ થતાં જ સ્થાનિક પોલીસ, ક્રાઈમ બ્રાન્ચ, એસઓજીની ટીમ પીઆઇ, એસીપીનો કાફલો દોડી ગયો હતો. આરોપી અને મૃતક બન્ને મિત્ર હતા અને પાડોશમાં જ રહેતા હતા.બનાવની પ્રાપ્ત વિગત મુજબ મૃતકનું નામ અખ્તર હુશેનભાઈ પાયક(ઘાંચી) (ઉ.વ.20) છે અને તે નાણાવટી ચોકમાં આવેલ સરકારી ક્વાર્ટરમાં રહે છે.

આરોપીનું નામ હુશેન ઇબ્રાહિમ દલવાણી (સંધી) છે ગુનામાં તેની સાથે અન્ય એક અજાણ્યો માણસો હતો. મૃતકના નાની રસીદાબેન કરીમભાઇ જેઠવા (ઉ.વ.61, રહે. નાણાવટી ચોક, આવાસ યોજના કવાર્ટર)એ ફરીયાદમાં જણાવ્યું છે કે, હું મારી મોટી દિકરી રેશ્માબેનના દિકરા અખ્તર સાથે રહું છું. અને પારકા ઘરકામ કરું છું. મારી મોટી દિકરી રેશ્માબેનના લગ્ન આજથી આશરે 21 વર્ષ પહેલા હુશેનભાઇ વલીભાઇ પાયક સાથે થયેલ હતા અને તેના થકી તેને સંતાનમાં એક દિકરો નામે અખ્તર હતો. અખ્તરના જન્મ થયાના એકાદ વર્ષ બાદ તેના પિતા હુશેનભાઇ સાથે છુટુ થઇ ગયેલ હતુ અને થોડા સમય બાદ તુરત જ મારી દીકરી રેશ્માબેને રાજકોટમાં રહેતા મુકેશભાઇ બાબુભાઇ વ્યાસ સાથે બીજા લગ્ન કરેલ છે.

ત્યારથી મારી દીકરી રેશ્માબેનનો દિકરો અખ્તર મારી સાથે રહેતો હતો. અમારી નજીક આવાસ યોજના કવાર્ટરમાં રહેતા નેન્સીબેન હુશેન દલવાણીને અખ્તર સાથે છેલ્લા બે – ત્રણ વર્ષથી પ્રેમ સંબંધ હતો અને તેઓ અવાર નવાર મળતા હતા. ગઇકાલે રાત્રીના આશરે સવા નવેક વાગ્યે હું તથા મારી બહેનનો દિકરો આરીફ બંન્ને મારા ઘરે હાજર હતા ત્યારે નેન્સી મારા ઘરે આવેલ હતી અને અમને કહ્યું હતું કે, “મારા પતિ અને અખ્તર વચ્ચે મારામારી થયેલ છે અને મારા પતિ તથા તેની સાથે આવેલ કોઇ વ્યકિતએ અખ્તરને છરી મારી દીધી છે. તમે જલ્દી આવો” તેમ કહેતા મારા બેનનો દિકરો આરીફ તેની સાથે ગયેલ હતો અને થોડીવાર બાદ આરીફ પાછો ઘરે આવેલ અને મને કહેલ કે, અખ્તરને છાતીના તથા પેટના ભાગે છરીના ઘા લાગેલ છે અને તેને 108 એમ્બ્યુલન્સમાં સરકારી હોસ્પિટલ ખાતે લઇ ગયેલ છે, તેમ વાત કરેલ અને બાદમાં હું તથા આરીફ બંન્ને સરકારી હોસ્પિટલે પહોંચતા ફરજ પરના ડોકટરે અખ્તરને મૃત જાહેર કર્યો હતો.

અઠવાડીયામાં ત્રીજો બનાવ
થોડા દિવસ પહેલા જ પારકી પરિણીતાના નંબર લઈ તેની સાથે વાત કરતા અને સાધુવાસવાણી રોડ પર હેરકટિંગની દુકાન ધરાવતા ધવલ નામના યુવકની પરિણીતાના પતિ દ્વારા હત્યાનો પ્રયાસ કરાયો હતો. બીજા બનાવમાં કોઠારીયા સોલ્વન્ટ સીતારામ સોસાયટીમાં બે એક શખ્સે પારકી પરણેતરને પોતાનો મોબાઈલ નંબર આપી વાત કરવાનું કહેતા તેણીના પતિ ઠપકો આપવા જતા આ શખ્સે બીજા સાગરિતો સાથે મળી ધમાલ મચાવી દુકાને તોડફોડ કરી હતી માથે જતા યુવકને પણ મારમાર્યો હતો.જે ગુન્હા પોલીસ ચોપડે ચડી ચુક્યા છે.

નેન્સીએ બનાવ અંગે અખ્તરના પરિવારજનોને જણાવ્યું હતું કે, હું તથા અખ્તર બંન્ને આવાસ યોજના કવાર્ટરની સામેની શેરીમાં મળવા માટે ભેગા થયા હતા ત્યારે મારો પતિ હુશેન તથા તેની સાથે કોઇ વ્યકિત બાઈક લઇને ત્યાં આવેલા હતા અને અખ્તર સાથે ઝઘડો કરી બંન્ને જણા માર મારવા લાગ્યા હતા અને હુશેને અખ્તરને છરીના આડેધડ ઘા માર્યા હતા. ફરિયાદમાં જણાવ્યા મુજબ અખ્તરને છાતીના ભાગે તથા પેટના ભાગે તથા ડાબા તેમજ જમણા પડખાના ભાગે તથા બંન્ને હાથે કોણીના ભાગે તથા સાથળના ભાગે તેમ જ પાછળ બેઠકના જમણી બાજુમાં એમ અલગ અલગ કુલ 11 જેટલા છરીના ઘા લાગેલ હતા અને તેના જમણા પડખાના ભાગે આંતરડા બહાર નીકળી ગયેલ હતા.

મૃતકના પરિજનોએ જણાવ્યા મુજબ હુશેન અને અખ્તર બન્ને પાડોશી છે. હુસેનના લગ્ન 7-8 વર્ષ પહેલાં નેન્સી સાથે થયા હતા. નેન્સી મૂળ ગોવાની વતની છે અને ક્રિસચન પરિવારમાંથી આવે છે. તેને સંતાનમાં બે દીકરીઓ છે. જ્યારે અખ્તર કુંવારો છે. નેન્સી અને અખ્તર વચ્ચે ત્રણેક વર્ષથી પ્રેમ સંબંધ હતો. જેની જાણ હુશેનને થતા માથાકૂટ થતી હતી. અખ્તર મંડપ સર્વિસમાં મજૂરી કામ કરતો. તેં અપરણિત હતો. અખ્તર માતા રેશ્માબેનનો એકનો એક પુત્ર હતો. તે પોતાના નાની સાથે રહેતો હતો. અખ્તરના મોતથી પરિવારે આધાર સ્તંભ ગુમાવતા કલ્પાંત છવાયો હતો.

ગળાડૂબ પ્રેમમાં રહેલા અખ્તરે છાતી પર પ્રેમિકા નેન્સીનો ’N’ ત્રોફાવ્યો હતો. ગઈકાલે પારકી પરણેતર સાથે પ્રેમસબંધ રાખવા મામલે અખ્તરની હત્યા નિપજાઈ હતી. આ ગુન્હામાં નેન્સીના પતિ હુસેન અને તેની સાથેના એક શખ્સ સામે હત્યાનો ગુન્હો નોંધાયો હતો.હત્યાનો ભોગ બનનાર અખ્તર છેલ્લા ત્રણેક વર્ષથી નેન્સીના ગળાડૂબ પ્રેમમાં હતો.જે હુસેનથી સહન થતું નહોતું અને ગઈકાલે તેનો કાંટો કાઢી નાખવા નક્કી કર્યું હતું.

કપ્તાન ના whatsapp ગ્રુપમાં જોડાવા માટે નીચેની લિંક પર ક્લિક કરો…. https://chat.whatsapp.com/GQNsDXmyva256Dg0yojSpx

ઉપરની લીંક આપના મિત્રોને કપ્તાનના whatsapp ગ્રુપમાં જોડાવા માટે મોકલી શકો છો…

આ સમાચારને શેર કરો