Placeholder canvas

અમદાવાદની અદાલતે રખડતા ઢોરના માલીકને બે વર્ષની જેલસજા ફટકારી…

સમગ્ર ગુજરાતમાં રખડતા ઢોરના ત્રાસ અને તેમાં માનવ જીંદગીઓના લેવાતા ભોગ સામે લોકરોષ તથા હાઈકોર્ટની ફટકાર છતાં ‘મતના રાજકારણ’ ને કારણે નવો કાયદો પડતો મુકી દેવાયો હતો ત્યારે અમદાવાદની અદાલતે રખડતા ઢોરના માલીકને બે વર્ષની જેલસજા ફટકારી છે.

અમદાવાદમાં કોર્પોરેશન તથા પોલીસ કમિશ્નરે 2019માં જાહેરનામુ ઈસ્યુ કર્યુ હતું અને પશુઓને રસ્તા પર નહીં મુકવા સૂચના જાહેર કરી હતી. આમ છતાં રસ્તે રઝળતા ઢોર માલુમ પડતા કોર્પોરેશનની ઢોર પકડ પાર્ટી દ્વારા રસ્તેથી ઢોર હટાવવા તથા તેને પકડવા માટેની કાર્યવાહી હાથ ધરી હતી તે દરમ્યાન ઢોર માલિક સાથે જીભાજોડી થઈ હતી.

ઢોરમાલિક પ્રકાશ દેસાઈએ ઢોર પકડ પાર્ટીને જાનથી મારી નાખવાની ધમકી આપતા વિધિવત ફરિયાદ દાખલ કરવામાં આવી હતી. આ મામલામાં અદાલતમાં સુનાવણી થઈ હતી. અદાલતે ઢોરને રસ્તે રઝળતા મુકવા બદલ જાહેરનામાનો ભંગ કરવા તથા કોર્પોરેશનના કર્મચારીઓને ધમકી આપવાના ગુના બદલ ઢોર માલિકને બે વર્ષની સજા કરતો ચુકાદો આપ્યો છે.

રખડતા ઢોર મામલે થોડા વખત પુર્વે હાઈકોર્ટે પણ સરકારની ઝાટકણી કાઢી હતી તે પછી સરકારે નવો કાયદો ઘડયો હતો. આકરી જોગવાઈ સાથેના કાયદા સામે પશુપાલકોએ વિરોધ કરતા તે પાછો ખેંચી લેવામાં આવ્યો હતો. કોઈ કડક કાયદો ન હોવાથી ખાસ કરીને શહેરોમાં લોકો યાતના ભોગવી જ રહ્યા છે. તાજેતરમાં જ અમદાવાદ તથા રાજકોટમાં રખડતા ઢોરે માનવીનો ભોગ પણ લીધો હતો અને તેમાં પશુમાલિક સામે ગુના દાખલ થયા છે. અદાલતી ચુકાદા બાદ હવે સ્થિતિમાં કોઈ ફેર પડશે કે કેમ તે સવાલ છે.

આ સમાચારને શેર કરો