સૌરાષ્ટ્ર

ચોટીલા દર્શન કરી ઘરે પરત ફરતા પરિવારને નળ્યો અકસ્માત, ડ્રાઈવર સહિત સાત વ્યક્તિને ઇજા

ગોંડલ-રાજકોટ નેશનલ હાઇવે શેમળાના પાટીયા પાસે ગત રાત્રિના રાજકોટથી વિરપુર જઇ રહેલી રીક્ષા સાથે રોંગ સાઈડમાં આવી રહેલા છોટા હાથીએ ધડાકાભેર અથડાવતા અકસ્માત સર્જાયો હતો. અકસ્માતમાં પોરબંદર પાસેના દેવળામાં રહેતા કાનાભાઇ ખાટાભાઇ બારૈયા, દર્શન કાનાભાઇ, ભાનુબેન કાનાભાઇ, મિલન કાનાભાઇ, દિનેશભાઇ ખાટાભાઇ, મંજુબેન દિનેશભાઇ તથા રીક્ષા ચાલક જુશબભાઇ પતાણીને ઇજા પહોંચતા 108 એમ્બ્યુલન્સ મારફત ગોંડલ સિવિલ હોસ્પિટલ ખસેડાયા હતા. ત્યાંથી વધુ સારવાર માટે ગોંડલની ખાનગી વાડોદરિયા હોસ્પિટલમાં ખસેડાયા હતા.

મળેલી માહિતી મુજબ પોરબંદર પાસે દેવળા ગામનો બારૈયા પરિવાર ચોટીલા દર્શન કરી રાજકોટ આવ્યો હતો. ત્યાંથી વિરપુર માટે જવાનું હોવાથી રાજકોટથી જુશબભાઇની સીએનજી રીક્ષા ભાડે બાંધી વિરપુર જઇ રહ્યા હતા. જ્યાં વિરપુર જતા સમયે રીક્ષાની સામે રોંગ સાઈડમાં આવતા છોટા હાથીએ અકસ્માત સર્જ્યો હતો. જેના કારણે રીક્ષામાં અને છોટા હાથીમાં નુકસાન થયું હતું. સાથે સાથે રીક્ષામાં સવાર તમામ લોકોને ઈજા પહોંચતા સારવાર અર્થે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતાં.

અકસ્માતની સમગ્ર ઘટનાને લઈ હાઈવે પર ટ્રાફિકજામ સર્જાયો હતો. ઘટનાની જાણ તાલુકા પોલીસ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી ટ્રાફિક હળવો કરાવ્યો હતો અને અકસ્માતને લઈને વધુ તપાસ હાથ ધરી હતી.

આ સમાચારને શેર કરો