Placeholder canvas

રિબડા નજીક સ્કૂલમાં ગુરુપૂર્ણિમાની સ્પીચ આપવા ઉભો થયેલો વિધાર્થી અચાનક ઢળી પડ્યો : મોત

રાજકોટ : રિબડા નજીક ગુરુપૂર્ણિમાની સ્પીચ આપવા ઉભો થયેલો 14 વર્ષીય વિધાર્થી ઢળી પડતા તેને સારવારમાં રાજકોટની હોસ્પિટલમાં ખસેડતા સારવારમાં મોત નિપજતા ચકચાર મચી ગઇ છે.આ બનાવ અંગે મળતી વિગત મુજબ મૃતકનું નામ દેવાંશ પિન્ટુભાઈ ભાયાણી (ઉ.વ.14) છે. તેમના પરિવારજનો અને પોલીસ સૂત્રો પાસેથી મળતી વિગત મુજબ દેવાંશનો પરિવાર મૂળ ધોરાજીના સુપેડી ગામનો વતની છે પણ હાલ તે ધોરાજીમાં સ્થાયી થયો છે. દેવાંશ પહેલા બાલાચડી સૈનિક સ્કૂલમાં અભ્યાસ કરતો હતો. પરંતુ ત્રણ માસ પહેલા તેનું એડમીશન રીબડા નજીકની શૈક્ષણિક સંસ્થામાં કરવામાં આવ્યું હતું. અત્રેને હોસ્ટેલમાં રહેતો હતો.

દેવાંશ ખૂબ જ હોશિયાર વિદ્યાર્થી હતો.જેથી તેની પસંદગી ગુરૂપૂર્ણિમાંની સ્પીચ આપવા માટે કરાઈ હતી.સ્પીચ અંગે દેવાંશે ભારે તૈયારી કરી હતી. આજે ગુરૂપૂર્ણિમાંના પાવન અવસરે તેમની સ્કૂલમાં પ્રાર્થના કાર્યક્રમમાં ગુરૂપૂર્ણિમાંનો વિશેષ કાર્યક્રમ હતો. સામૂહિક પ્રાર્થના બાદ દેવાંશ પોતાની સ્પીચ આપવા માટે ઉભો થયો હતો.તે સ્ટેજ પર આવ્યો હતો. સ્પીચ આપતાજ તે અચાનક જ ઢળી પડયો હતો.જેથી હાજર સૌ શેક્ષણિક સંસ્થાના સંચાલકો શિક્ષકો, વિદ્યાર્થીઓ અવાચક થઈ ગયા હતાં. તુરંત સૌએ દોડી જઈ દેવાંશને સંભાળ્યો હતો તેમની તબિયત ખરાબ હોવાની ગંભીરતા સમજી તુરંત જ તેને રાજકોટની સ્ટલિંગ હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડાયો હતો.

આ તરફ તુરંત જ તેમના પરિવારજનોને જાણ કરી દેવાઈ હતી. તેમના પિતા સહિતના લોકો રાજકોટ દોડી આવ્યા હતાં. જોકે દેવાંશનું ટુંકી સારવારમાં જ મોત નિપજયું હતું. તેમના મૃતદેહને પોલીસે પીએમ અર્થે રાજકોટ સિવિલ હોસ્પિટલમાં ખસેડાયો હતો. અહી પીએમ બાદ તબીબોએ જણાવેલ કે દેવાંશના હ્વદય અને ફેફસાનું વજન સામાન્ય થી વધુ હતું. તેને દુર્લભ બીમારી હતી.ભાગ્યે જકોઈ વ્યકિતને આ બિમારી હોય છે. આ બનાવના પગલે કડવા પાટીદાર પરિવારમાં શોક છવાયો છે.

દેવાંશ ધોરાજીના સુપેડીના પાટીદાર ઉદ્યોગપતિ અને સીદસર મંદિર ટ્રસ્ટના ટ્રસ્ટી ભુપતભાઈ ગોરધનભાઈ ભાયાણીનો પૌત્ર છે. આ માહિતી મળતા જ કડવા પાટીદાર સમાજના આગેવાનો રાજકોટ સિવિલ હોસ્પિટલ ખાતે એકત્ર થયા હતા. ભુપતભાઈ ભૂમિ પોલીમર્સના સંચાલક છે અને સમાજમાં અગ્રહરોળમાં નામના ધરાવતા હોય કડવા પટેલ સમાજમાં આ બનાવથી ઘેરા શોકની લાગણી છવાઈ છે.

આ સમાચારને શેર કરો