રાજકોટ: ચોટીલા હાઇવે પરની બે હોટલોમાં પેટ્રોલીયમ પ્રવાહી વેચાણ અને સંગ્રહનું કૌભાંડ ઝડપાયુ.

2400 લીટર પેટ્રોલીયમનો જથ્થો કબ્જે કરાયો : ચારની ધરપકડ

રાજકોટ રેન્જ આઇજી સંદીપસિંહની સૂચના અને માર્ગદર્શન હેઠળ પોલીસે ચોટીલા હાઇવે પરની બે હોટલોમાં પેટ્રોલીયમ પ્રવાહી વેચાણ અને સંગ્રહનું કૌભાંડ ઝડપી પાડ્યું છે. પોલીસે 2400 લીટર પેટ્રોલીયમનો જથ્થો કબ્જે કરી ચારની ધરપકડ કરી છે. વાંકાનેર બાઉન્ડ્રી ટોલનાકાથી ચોટીલા તરફ જવાના હાઇવે રોડ પર આવેલી શેર એ પંજાબ અને નાગરાજ હોટલમાં ગુપ્ત ટાંકો બનાવી ગેરકાયદેસર પેટ્રોલીયમ પ્રવાહીનું વેચાણ અને સંગ્રહ થતું હતું. નાગરાજ હોટલના યુવરાજ કનુ ધાધલ અને શેર એ પંજાબ હોટલના રવુ ભોજભાઇ ધાધલની શોધખોળ હાથ ધરાઈ છે.

પોલીસ સૂત્રોના જણાવ્યા મુજબ ગુજરાત સરકાર તથા ડી.જી.પી. આશિષ ભાટિયા તરફથી રાજયમાં ચાલતી પેટ્રોલીયમ પ્રવાહીના ગેરકાયદેસર સંગ્રહ તથા વેચાણને પકડી પાડી કાયદેસરની કાર્યવાહી કરવા સુચના આપેલી હતી. જેને લઈ રાજકોટ રેન્જ આઇ.જી.પી. સંદીપ સિંહને હકીકત મળી હતી કે, વાંકાનેર બાઉન્ડ્રી ટોલનાકાથી ચોટીલા તરફ જવાના હાઇ-વે રોડ ઉપર શેર એ પંજાબ હોટલ તથા નાગરાજ હોટલની અંદરના ભાગે ગુપ્ત ટાંકો બનાવી ત્યાંથી ગેરકાયદેસર પેટ્રોલીયમ પ્રવાહીનું વેચાણ કરવામાં આવી રહ્યું છે.

હકીકત આધારે તુર્ત જ મોરબી વિભાગના ડીવાયએસપી હર્ષ ઉપાધ્યાય તથા વાંકાનેર તાલુકાના પીએસઆઈ પી.જી.પનારાને હકીકત વાળી જગ્યાએ મોકલી હોટલ ચેક કરાવતા 2400 લીટર જ્વલનશીલ પેટ્રોલીયમ જેની કિંમત રૂ.2.30 લાખ, 20 લાખની કિંમતનાબે ટ્રક, પાંચ લાખની કિંમતની એક કાર, 2 મોબાઇલ ફોન, હેન્ડ પમ્પ, મળી કુલ રૂ.27,41,200 નો મુદ્દામાલ કબ્જે કરી 6 આરોપી સામે ચોટીલા પોલોસ મથકે આઈપીસી કલમ-278, 285, 114 તથા આવશ્યક ચીજવસ્તુઓના અધિનીયમ કલમ-3 અને 7 તથા પેટ્રોલીયમ અધિનીયમ કલમ- 3, 4, 23 મુજબ બે ગુના દાખલ કરી મુદ્દામાલ કબ્જે કરી કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી છે.

પકડાયેલા આરોપી
*કોડીંબા ધોડીબા વાઘમારે (રેહે.કુરૂંદાવાડી તા.બસમત જી.હિંગલો મહારાષ્ટ્ર)
*મારૂતી જયસીંગ નાગે (રહે.હનુમાનનગર રોડ, ઇસ્લામપુર ગામ તા.વાલ્વા જી.સાંગલી મહારાષ્ટ્ર)
*સુરેશ વજાભાઇ ચોવીસીયા (રહે. ખેરડી તા.ચોટીલા જી.સુરેન્દ્રનગર)
*અનીતકુમાર અરૂણ મંડલ (રહે.ખેરડી, નાગરાજ હોટલ, તા.ચોટીલા જી.સુરેન્દ્રનગર)

ફરાર આરોપી
*યુવરાજ કનુભાઇ ધાધલ (રહે.નાગરાજ હોટલ, ચોટીલા)
*રવુ ભોજભાઇ ધાધલ (રહે. ચોટીલા રાજકોટ ને.હા. રોડ, શેરે પંજાબ હોટલ તા.ચોટીલા)

આ સમાચારને શેર કરો