ખેડૂતો માટે ગુજરાત સરકારની મોટી જાહેરાત : ખેતીબેંકની લોન 25 ટકા જ ભરવાની રહેશે.
ખેતી બેંકમાં લોન લેનારા ખેડૂતો માટે મહત્વની જાહેરાત. જે ખેડૂતોની લોન બાકી હોય તેમને 25 ટકા રકમ ભરવાની રહેશે. 50 હજાર ખેડૂતોને મળશે 150 કરોડની રાહત
ગુજરાત સરકાર દ્વારા મોટી ભેટ આપવામાં આવી છે. જેનો સીધો જ લાભ રાજ્યના 50 હજાર જેટલા ખેડૂતોને મળશે. રાજ્ય સરકારે તાજેતરમાં લીધેલ નિર્ણય પ્રમાણે, જે ખેડૂતોએ ખેતી બેંકમાંથી લોન લીધી હોય અને તેની ચુકવણી બાકી હોય તેવા ખેડૂતોએ માત્ર 25 ટકા રકમ ભરવાની રહેશે.
કેન્દ્ર દ્વારા રજૂ કરાયેલા સામાન્ય બજેટના બીજા જ દિવસે ગુજરાતના ખેડૂતો માટે મોટા રાહતના સમાચાર આવ્યા છે. ખેતી બેંકમાંથી લોન લીધેલા ખેડૂતો તેમની બાકીની રકમના 25 ટકા જ ભરપાઈ કરવાની રહેશે. 25 ટકા રકમ ભરાશે તો બાકીની રકમ માફ કરવાની મંજૂરી આપી દેવાઈ છે. આ જાહેરાતથી 50 હજાર ખેડૂતોને સીધો લાભ થશે. આ સમગ્ર યોજનાથી 150 કરોડ રૂપિયાની ખેડૂતોને રાહત મળશે. આ યોજનાનો લાભ માત્ર ખેતીબેંકના ખેડૂતોને મળશે તેવું પણ જણાવાયું છે. આ યોજના પાકધીરાણ કે પાકવીમા સંબંધિત નથી.
જ્યારે કોંગ્રેસે બીજી બાજુ પ્રતિક્રિયા આપતા કહ્યું હતું કે ભાજપ સરકાર જાહેરાતો તો કરે છે પરંતુ તેનું અમલીકરણ પારદર્શિતાથી થતી નથી. આવામાં આ જાહેરાત પણ ગ્રાઉન્ડ લેવલ પર કેટલી ખરી ઉતરે છે તે જોવાનું રહેશે. ખેડૂતોને તો સરકાર જેટલું આપે તેટલું ઓછું છે પરંતુ ખરેખરમાં ખેડૂતોને લાભ મળે તે થવું જરૂરી છે. ભૂતકાળમાં પણ ઘણી સબસિડી અને યોજનાઓની જાહેરાત કરાઈ છે પરંતુ તેમાં ખેડૂતોને પુરા લાભ મળ્યો નથી.