સાયલા: પોલીયો પીવડાવવા જઈ રહેલી નર્સીંગ યુવતી ઢળી પડતા થયુ મોત
મૃતક કોમ્યુનીટી હેલ્થ સેન્ટરમાં નોકરી કરતી’હતી યુવતીનાં મોતથી પરિવારમાં શોક
સાયલામાં બાળકોને પોલીયો પીવડાવવા જઈ રહેલી નર્સીંગ યુવતી અચાનક ઢળી પડતાં બેભાન થઈ જતાં તેને હોસ્પીટલે ખસેડવામાં આવી હતી. ત્યાં તેને ફરજ પરનાં તબીબે મૃત જાહેર કરી હતી. આ અંગે સાયલા પોલીસે કાગળો કરવા તજવીજ હાથ ધરી છે.
બનાવની મળેલ માહિતી મુજબ સાયલામાં રહેતી કાજલબેન લલીતભાઈ સોલંકી ઉ.વ.24 નામની યુવતી પોતાના ગામમાં બાળકોને પોલીયોના ટીપા પીવડાવવા જતી હતી ત્યારે અચાનક બેભાન હાલતમાં ઢળી પડતા તેને સિવીલ હોસ્પીટલે ખસેડવામાં આવતા ફરજ પરનાં તબીબે મૃત જાહેર કર્યા હતા.
કાજલ કોમ્યુનીટી હેલ્થ સેન્ટરમાં નર્સ તરીકે ફરજ બજાવતા હતા, તેમને એક બહેન અને એક ભાઈ છે. કાજલબેનના પિતા કાપડનો ધંધો કરે છે. તેમના મોતનું કારણ જાણવા ફોરેન્સીક પોસ્ટમોર્ટમ કરાયું હતું. કાજલના મોતથી પરિવારમાં માતમ છવાઈ ગયું હતું.