અંતે સરકાર ઝૂકી: ખેડૂત આંદોલન મુદ્દે સંસદમાં 15 કલાકની ચર્ચા માટે તૈયાર

રાજયસભામાં અઘ્યક્ષ વેંકૈયા નાયડુની જાહેરાત : રાષ્ટ્રપતિના ભાષણ પરના આભાર પ્રસ્તાવ બાદ લોકસભા અને રાજયસભામાં ચર્ચા થશે : ખેડૂત આંદોલન મુદ્દે સરકારને સંસદમાં ઝૂકાવવામાં વિપક્ષ સફળ

દેશમાં છેલ્લા 70 દિવસથી ચાલી રહેલા ખેડૂત આંદોલનનો પડઘો સંસદના બજેટ સત્રમાં પડયો છે અને છેલ્લા બે દિવસથી રાજયસભા અને લોકસભામાં વિપક્ષોએ આંદોલન મુદ્દે અલગથી ખાસ ચર્ચાની કરેલી માંગણી અને તેનું દબાણ કામ કરી ગયું છે. સરકાર દ્વારા અંતે હવે રાષ્ટ્રપતિના ભાષણ પરના આભાર પ્રસ્તાવની ચર્ચા બાદ 15 કલાકનો સમય ખેડૂત આંદોલનની ચર્ચા માટે ફાળવવા નિર્ણય લીધો છે. જેને વિપક્ષની એક મોટી જીત ગણવામાં આવે છે.

આજે સવારથી રાજયસભામાં આ અંગે ધમાલ ચાલુ થઇ હતી અને અઘ્યક્ષ વેંકૈયા નાયડુએ આમ આદમી પાર્ટીના સંજયસિંઘ સહિતના ત્રણ સાંસદોને બે દિવસ માટે સસ્પેન્ડ કર્યા હતાં અને તે બાદ સરકાર અને વિપક્ષ વચ્ચે અચાનક જ સમજૂતી થતી હોય તેવો માહોલ બની ગયો હતો. નાયડુએ જાહેરાત કરી હતી કે સરકાર દ્વારા રાષ્ટ્રપતિના ભાષણ પરની ચર્ચા અને વડાપ્રધાના જવાબ બાદ 15 કલાકનો સમય ખાસ ખેડૂત આંદોલન માટે ફાળવવામાં આવ્યો છે અને તે રાજયસભા અને લોકસભા બંને માટે વહેંચી દેવાશે.

આજે સવારથી જ સરકાર સમાધાનના મૂડમાં હોય તેવા સંકેત હતાં અને લોકસભા બપોર બાદ ધાંધલ-ધમાલ ભરી બને તેવી શકયતા હતાં. બીજી તરફ આ ચર્ચા દરમિયાન બે દિવસ સુધી પ્રશ્નકાળ તથા ખાનગી સભ્યોના બીલની ચર્ચા થશે નહી. એક તરફ સરકારે ખેડૂત આંદોલન સામે આકરૂ વલણ લીધુ છે અને તા.6ના રોજ ભારત બંધ તથા ચક્કાજામના એલાનને ભરી પીવા માટે તૈયારી કરી છે તે વચ્ચે સંસદમાં સમાધાનની ભૂમિકાએ સરકાર પર સર્જાયેલા દબાણનો સંકેત છે.

આ સમાચારને શેર કરો