Placeholder canvas

રાજકોટ: ‘મધર-ડે’ પર એક માઁએ દેહ છોડ્યા બાદ પણ 5 લોકોને જીવન આપતી ગઈ…

આજે આંતરરાષ્ટ્રીય માતૃ દિવસે રાજકોટ શહેરમાં રહેતા એક પરિવારે બ્રેઇનડેડ માતાનાં અંગોનું દાન કરી પાંચ લોકોને નવજીવન આપ્યું હોવાની ઘટના સામે આવી છે. ગઈકાલે જ નિરૂપાબેન જાવીયા નામની મહિલાને ડોક્ટરોએ બ્રેઇનડેડ જાહેર કર્યા હતા. જોકે આ કપરા સમયમાં પણ તેમના પુત્રો અને પરિવારે તેમનું અંગદાન કરવાનો નિર્ણય લીધો હતો. અને આજે તેમનું અંગદાન કરાતા પાંચ લોકોને નવજીવન મળશે.

પ્રાપ્ત વિગતો મુજબ નિરૂપાબેનનું ગઈકાલે જ બ્રેનડેડ થઈ ગયું હતું. શહેરની વોકહાર્ટ હોસ્પિટલમાં પરિવાર દ્વારા નિરૂપાબેનના કિડની લીવર સ્કીન સહિતના પાંચ અંગોનું દાન કરાયું હતું. આ તકે નિરૂપાબેનનાં સંતાનો સહિતના પરિવારજનો મોટી સંખ્યામાં હોસ્પિટલ ખાતે એકત્ર થયા હતા. અને જ્યારે નિરૂપાબેનના અંગોનું દાન કરવા તેમને વોકહાર્ટ હોસ્પિટલથી અન્ય જગ્યાએ લઈ જવામાં આવ્યા ત્યારે પુષ્પવર્ષા કરી હતી. આ સમયે ઘણા ભાવુક દ્રશ્યો પણ સર્જાયા હતા. અને સૌકોઈની આંખોમાં આંસુ આવી ગયા હતા.

નિરૂપાબેનનાં સંબંધીએ જણાવ્યું હતું કે, તેઓનું આ જીવન હંમેશા બીજાને ઉપયોગી થવા માટેનું રહ્યું છે. હંમેશા બીજા લોકોને કેમ ઉપયોગી થવાય એ માટે જ તેમણે પોતાનું જીવન ખર્ચી નાખ્યું છે. એટલું જ નહીં પોતાના સંતાનોને પણ તેઓએ હંમેશા બીજાને ઉપયોગી થવા માટેનાં સંસ્કાર આપ્યા છે. આજે આંતરરાષ્ટ્રીય માતૃદિવસ નિમિત્તે નિરૂપાબેનનાં અંગોનું દાન થયું તે આ પરિવાર માટે ગર્વની બાબત છે. જોકે આ ક્ષણે એકતરફ તેમને ગુમાવ્યા એમનું દુઃખ છે. તો બીજીતરફ તેમના થકી પાંચ લોકોને નવી જિંદગી મળવાની ખુશી પણ છે.

તેમના પરિવારજનોની સંમતિ થી વોકહાર્ટના ડો વિરોજા તથા ભાવનાબેન (ઓર્ગન ડોનેટ ઓર્ગેનાઈઝશન ) દ્વારા બે કિડની, લીવર તથા સ્કિનને અમદાવાદ સિવિલ હોસ્પિટલ ખાતે તાત્કાલિક પહોંચાડવા માટે કોરીડોરની માંગણી કરતા ડીસીપી ટ્રાફિક પૂજા યાદવે, એસીપી જે.બી.ગઢવી,કોરીડોરની ફરજ સોંપી તાત્કાલિક એમ્બ્યુલન્સને વોકહાર્ટ થી માલિયાસણ ગ્રીન કોરરીડોર આપ્યો હતો અને એમ્બ્યુલન્સને ફક્ત 15 મિનિટમાં માલિયાસણ પસાર કરાવી દીધો હતો.

આ સમાચારને શેર કરો