રાજકોટ: કુવાડવા પાસે ધોરણ 12ના વિદ્યાર્થીને ટ્રકે હડફેટે લેતા ઘટના સ્થળે મોત

રાજકોટ: કુવાડવા નજીક રોડ ક્રોસ કરી રહેલા હિરાસર ગામમાં રહેતા ધો.12ના વિદ્યાર્થીને પૂરપાટ ઝડપે ઘસી આવેલા ટ્રકે હડફેટે લેતા ગંભીર ઇજા થતા આ વિધાર્થિનુ ઘટના સ્થળે કમકમાટી ભર્યુ મોત નિપજયું હતું. બનાવના પગલે હાઇવે પર ટ્રાફીક જામ થઇ ગયો હતો. અકસ્માતની આ ઘટના બાદ પોલીસ પણ તાકીદે બનાવ સ્થળે પહોંચી ગઇ હતી અને ટ્રાફીક કલીયર કરાવી છાત્રના મૃતદેહને પીએમ માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો.

અકસ્માતની આ ઘટના અંગે જાણવા મળતી વિગતો મુજબ કુવાડવા રોડ પર શકિત હોટલ નજીક આજરોજ બપોરના રસ્તો ઓળંગી રહેલા વિશાલ ભીખુ સોલંકી (ઉ.વ.17) નામના છાત્રને ટ્રકે હડફેટે લેતા તેને માથાના ભાગે ગંભીર ઇજા પહોંચી હતી. જેથી તેનું ઘટના સ્થળે જ કમકમાટી ભર્યુ મોત થયું હતું. બનાવના પગલે અહીં લોકોના ટોળા એકત્ર થતા ટ્રાફીકજામ થઇ ગયો હતો. બનાવની જાણ થતા કુવાડવા પોલીસ મથકના પીએસઆઇ આર.પી.મેઘવાળ તથા રાઇટર હિતેશભાઇ તાકીદે બનાવ સ્થળે પહોંચી ગયો હતો અને ટોળાને વિખેરી ટ્રાફીક કલીયર કરાવ્યો હતો. વિધાર્થિના મૃતદેહને પીએમ માટે ખસેડવામાં આવ્યો હતો.

અકસ્માતના આ બનાવની વધુમાં જાણવા મળતી વિગતો મુજબ અકસ્માતમાં મોતને ભેટનાર છાત્ર વિશાલ બે બહેન એક ભાઇના પરિવારમાં બીજા ક્રમનો હતો. તેના પિતા ભીખુભાઇ ડ્રાઇવીંગ કામ કરે છે. વિશાલ આલફા સ્કૂલમાં ધો.12માં અભ્યાસ કરતા હોય આજરોજ સ્કુલેથી છુટી ઘરે જતો હતો. દરમિયાન કુવાડવા રોડ પર શકિત હોટલ નજીક રસ્તો ઓળંગતો હતો. ત્યારે ટ્રક નં. જીજે 03 એટી 1033 હડફેટે લેતા છાત્રનું ઘટના સ્થળે મોત થયું હતું. બનાવના પગલે કોળી પરિવારમાં શોક છવાઇ ગઇ હતી. પોલીસે ટ્રક ચાલક સામે ગુનો નોંધી તેને સકંજામાં લઇ લીધો હોવાનું જાણવા મળ્યું છે.

જુઓ વિડિયો…

આ સમાચારને શેર કરો