Placeholder canvas

સ્કૂલે ગયેલી 9વર્ષની બાળકી ઘરે પરત ન આવતા પોલીસમાં દોડાદોડી: ત્રણ કલાકે હેમખેમ મળી…

રાજકોટ: સ્કૂલે ગયેલી નવ વર્ષની બાળકી પરત ઘરે ન આવતા પોલીસમાં દોડાદોડી થઈ ગઈ હતી. ગંભીરતા સમજી પોલીસ અધિકારીઓ ક્રાઈમ બ્રાંચની ટીમને પણ કામે લગાડી હતી. અંતે ત્રણ કલાકે હેમખેમ મળી હતી. આ બનાવ અંગે પોલીસ સુત્રોમાંથી જાણવા મળતી વિગત મુજબ ઘરેથી સ્કુલે જવાનુ કહીને નીકળી ગયેલ નવ વર્ષની બાળકીને શોધીને માલવીયાનગર પોલીસે વાલી સાથે મિલન કરાવ્યુ હતું.

આ અંગે વિગત મુજબ ગઈકાલે માલવીયાનગર પોલીસ મથકે અરજદાર રાજુભાઈ રાહાભાઈ જોગરણા (રહે- નહેરૂનગર પ્રાઈવેટ શેરી નં.4, 150 ફુટ રીંગ રોડ બાલાજી હોલ સામે)એ રૂબરૂ આવીને જણાવેલ કે, તેઓની દીકરી સોનુ ઉર્ફે માહી (ઉ.વ.9)વાળી બપોરના સવા બારેક વાગ્યાની આસપાસ સ્કુલે જવાનું કહીને નીકળેલ હતી જે સ્કુલ છુટવાના સમય બાદ પરત ન આવતા સ્કુલે તથા આજુબાજુના વિસ્તારમાં તપાસ કરતા તેઓની દીકરીની કોઈ ભાળ મળેલ ન હતી જેથી તેઓ અત્રેના પોલીસ સ્ટેશન ખાતે આવીને જાણ કરતા બનાવની ગંભીરતા ધ્યાને લઇ ઉપરી અધીકારીઓને બનાવ અંગે જાણ કરતા પોલીસ કમીશ્નર રાજુ ભાર્ગવ, ઝોન-2 ડીસીપી સુધીરકુમાર દેસાઇ, એસીપી દક્ષિણ બી.જે.ચૌધરી ત્વરીત કાર્યવાહી કરવા સુચના આપેલ હતી. જેના અનુસંધામેં માલવીયાનગર પીઆઈ એ.બી.જાડેજાના માર્ગદર્શન હેઠળ સર્વેલન્સ સ્કોડના પીએસઆઈ એમ.એસ.મહેશ્વરી,તથા સર્વેલન્સ સ્કોડના કર્મચારીઓ તથા ચોકી સ્ટાફના માણસો તથા પી.સી.આર.વાનની અલગ -અલગ ટીમો બનાવીને ગુમ થનાર દીકરી સ્કુલે જવાના રસ્તાના તથા આજુબાજુ વિસ્તારના સી.સી.ટી.વી. ચેક કરાયા હતા.

ગુમથનાર દીકરી એકલી ચાલીને જતી જોવામાં આવેલ જેથી દીકરી જે રસ્તા ઉપર જતી હતી તે રસ્તાના સી.સી.ટી.વી. કુટેજ તથા હ્યુમન સોર્સીસ દ્વારા તપાસ ચાલુ હતી આ દરમ્યાન સર્વેલન્સ સ્કોડના કર્મચારીઓ ખીજડાવાળો રોડ ઉપર આવેલ રેતી કપચીના ડેલામાં રહેતા મજુર પરીવારના ઘરે દીકરી સુઈ ગયેલ હોય જયાથી આ ગુમ થનાર દીકરી મળી આવેલ હતી. ગુમથનાર દીકરીની તાત્કાલીક ભાળ મેળવીને શોધ ખોળ કરીને તેઓના વાલીને કબ્જો સોંપી આપેલ હતો. આ બનાવના પગલે માલધારી સમાજના આગેવાનો પણ દોડી ગયા હતા. ત્વરિત કાર્યવાહીથી તેઓએ પોલીસનો પણ આભાર માન્યો હતો. ઉલ્લેખનીય છે કે, તાજેતરમાં જ ગુમ થયેલી 13 વર્ષની બાળકી ઉપર દુષ્કર્મ ગુજારી હત્યા કરવાનો ક્રૂર બનાવ બનેલો. જેથી પોલીસે આ કિસ્સામાં તુરંત જ એક્શન લેતા બાળકી હેમખેમ તેના પરિવારને મળી હતી.

પોલીસે ત્રણ કલાકમાં જ બાળકીને શોધી : પોલીસ સૂત્રોએ જણાવ્યું કે જે 9 વર્ષની બાળકી ગુમ થઈ હતી તેના માતા હયાત નથી. દાદી અને પિતા સાથે રહે છે. પિતા ચાની લારી ચલાવે છે. બાળકી દરરોજ એકલી શાળાએ જાય. ગત રોજ 12.30 વાગ્યે તે સ્કૂલે જવા નીકળી હતી. પછી પરત ઘરે ન આવતા તેના પિતા જ્યારે ઘરે આવ્યા ત્યારે બાળકી ક્યાંક આસપાસ રમવા ગઈ હશે તેવી વિચાર્યું હતું. પણ 6 વાગ્યા પછી પણ બાળકી ઘરે ન આવતા આસપાસ તપાસ કરી હતી પણ ન મળતા રાત્રે 8 વાગ્યે પોલીસને જાણ કરી હતી. માહિતી મળતા એક મિનિટની પણ રાહ જોયા વગર પીઆઈ, પીએસઆઈ સહિતનો સ્ટાફ બાળકીની શોધખોળમાં લાગી ગયો હતો. અને ત્રણ કલાકમાં રાત્રે 11 વાગ્યે બાળકીને શોધી કાઢી હતી.

પોલીસની પુછપરછમાં જાણવા મળેલ કે બાળકીએ આસપાસનાં વિસ્તારમાં ચાલીને કેટલાય આટા માર્યા હતા તે શ્રમીક પરિવારનાં રેતી કપચીનાં ડેલામાં મળી હતી અત્રે રહેતો પરિવાર જમતો હોય ત્યારે જ બાળકી આવતા તેને પ્રેમથી જમાડી હતી. ખુબ ચાલીને બાળકી થાકી ગઈ હશે ત્યાં જ જમીને સુઈ ગઈ હતી. શ્રમીક પરિવારે બાળકીને તેના ઘરનુ સરનામું પૂછેલુ પણ બાળકીએ કંઈ જણાવ્યું ન હતું.

આ સમાચારને શેર કરો