મોરબી જિલ્લાના 145 દંપતિ સહિત 3001 નવવધુ ભરવાડ સમાજની ગુરૂગાદી થરામાં લગ્નગ્રંથિથી જોડાશે.
વર્લ્ડ ગીનીસ બુકમાં નોમીનેશન કરાશે : 251થી વધુ ચીજવસ્તુ કરીયાવરમાં અપાઇ
મોરબી જિલ્લાના 145 દંપતિ સહિત 3001 નવવધુ ભરવાડ સમાજની ગુરૂગાદી થરા ખાતે ગ્વાલીનાથ મહાદેવના સાંનિધ્યમાં લગ્નગ્રંથિથી જોડાશે. ભવ્યાતિભવ્ય આયોજન ભાગવત કથા પુનઃ પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ સહિતના કાર્યક્રમો 850 વિધા જમીન તૈયાર કરી લાખો લોકો ઉમટી પડશે.
આજથી 900 વર્ષ પૂર્વ ભરવાડ સમાજની ગુરૂગાદી થરા(જી.બનાસકાંઠા) ખાતે ગ્વાલીનાથ મહાદેવના સાનિધ્યમાં સૌપ્રથમ જંગવિવાહ (સમુહલગ્ન) યોજાયો હતો. જેમાં 3009 દિકરીઓએ પ્રભુતામાં પગલા માંડયા હતા. એજ સ્થાન ઉપર બીજો જંગવિવાહ આગામી તારીખ 30-1-2023 અને 31-1-2023ના રોજ યોજાઇ રહયો છે. જેમાં સમગ્ર ગુજરાત-મહારાષ્ટ્ર-મધ્યપ્રદેશ અને રાજસ્થાનમાંથી 3001 દિકરીઓ એક સાથે પ્રભુતામાં પગલા માંડશે. આ ઐતિહાસિક મંગલ ઘડીના સાક્ષી બનવા અને સમુહલગ્ન તેમજ ધાર્મીક ઉત્સહમાં જોડાવા સમસ્ત માલધારી સમાજને આહવાન કરવામાં આવે છે. આ જાજરમાન સમુહલગ્નનું વર્લ્ડ ગીનીસ બુકમાં નોમીનેશન કરવામાં આવશે.
850 વિઘા જમીનમાં આ સમગ્ર ઉત્સવ ઉજવવામાં આવશે
અખિલ બ્રહ્માંડના અધિપતિ ભગવાનશ્રી કૃષ્ણ જયારે ગોકુલ છોડીને નિકળ્યા ત્યારે પ્રથમ પડાવ બનાસકાંઠા જીલ્લાના કાંકરેજ તાલુકાના થરા ખાતે નાખ્યો હતો. જયાં ભગવાન શ્રીકૃષ્ણના હસ્તે ગ્વાલીનાથ મહાદેવની સ્થાપના કરવામાં આવી હતી. આ ઐતિહાસિક સ્વયંભુ મહાદેવની પુન:પ્રાણપ્રતિષ્ઠા કરવામાં આવનાર છે. જેના ભાગ શ્રીમદ્ ભાગવત કથાનું આયોજન કરવામાં આવ્યું છે. આ ઉપરાંત ભરવાડ સમાજની ગુરૂગાદીના બ્રહ્મલીન મહંત પરમ પૂજય શિવપુરી બાપુનો ભંડારો પણ યોજાશે. ગુરૂગાદી થરાના પરમપૂજય ધનશ્યામપુરીબાપુ ગુરૂ શિવપુરીબાપુના આશિર્વાદ અને સંપૂર્ણ માર્ગદર્શન હેઠળ યોજાનાર 1000 દિકરીઓના સમુહલગ્ન, શ્રીમદ્ ભાગવત કથા, ગ્વાલીનાથ મહાદેવની પુન:પ્રાણપ્રતિષ્ઠા, મહારૂદ્રી યજ્ઞ તથા શિવપુરીબાપુનો ભંડારો આ તમામ ધાર્મીક ઉત્સવના યજમાન બેચરભાઈ તેજાભાઇ ગમારા (અમદાવાદ) છે. આ સમગ્ર ધાર્મીક ઉત્સવને ગ્વાલીનાથ મહાદેવ થરાનો સમૈયો એવું નામ આપવામાં આવ્યું છે.
સમગ્ર ગુજરાત-મહારાષ્ટ્ર-મધ્યપ્રદેશ અને રાજસ્થાનમાંથી 3001 દિકરીઓ એક સાથે પ્રભુતામાં પગલા માંડશે
આ ઐતિહાસિક સમુહલગ્નમાં જોડાયેલ તમામ દિકરીઓને ધરવખરીની 251 ચીજવસ્તુઓ સાથેનો કરીયાવર દરેક ના ઘરે પહોંચતો કરી દેવામાં આવ્યો છે. ભરવાડ સમાજના ધર્મગુરૂ મહામંડલેશ્વર પ.પૂ.ઘનશ્યામપુરી બાપુના માર્ગદર્શન હેઠળ સમુહ લગ્ન તડામાર તૈયારીઓ ચાલુ રહી છે. થરા સમૈયો સમુહ લગ્નની વિગતો જણાવતા વિનુભાઈ ગમારાએ જણાવ્યુ હતુ કે તમામ દિકરીઓને કરીયાવર દરેકના ઘરે પહોંચતો કરી દેવામાં આવ્યો છે. 850 વિધા જમીનમાં આ સમગ્ર ઉત્સવ ઉજવવામાં આવશે જેમાં લગ્ન સ્થળ થી 3 કિલોમીટર દુર 400 વિધામાં પાર્કીંગની વ્યવસ્થા ગોઠવવામાં આવી છે. પાર્કીંગ સ્થળે થી લગ્ન સ્થળે મહેમાનોને લઇ જવા અને લાવવા માટે 60 લકઝરીસ બસો મુકવામાં આવી છે. 50 વિધામાં લગ્નમંડપ અને 200 વિધામાં ભોજનશાળા ઉભી કરવામાં આવી છે.
વર્લ્ડ ગીનીસ બુકમાં નોમીનેશન કરાશે : 251થી વધુ ચીજવસ્તુ કરીયાવરમાં અપાઇ
આ સમુહ લગ્નમાં અંદાજીત 15 લાખથી વધુ લોકો પધારશે જેના માટે મહાપ્રસાદની વ્યવસ્થા કરવામાં આવી છે. સૌરાષ્ટ્રમાંથી 2000 થી વધુ સ્વયંસેવકો સેવા કાર્યમાં જોડાશે. વ્યવસ્થાના ભાગરૂપે મોરબી સહિત સૌરાષ્ટ્રની દિકરીઓના ફેરા તા. 30-1-2023ના રોજ યોજાશે અને અમદાવાદ સહિતના વિસ્તારોની દિકરીઓના ફેરા તા. 31-1-2023ના રોજ યોજાશે.
મોરબી જિલ્લાના ટંકારા વાકાનેર હળવદ માળીયા થી 145 દંપતિ આ ઐતિહાસિક સમુહ લગ્નમાં પ્રભુતામાં પગલાં માંડશે આ માટે મોરબીના જયેશભાઈ ગોલતર, મોતીભાઈ મુધવા, દાનાભાઈ બાભવા, રૈયા મુધવા, સંજય રાતડીયા સહિતના અનેક આગેવાનો અને કાર્યકરો જહેમત ઉઠાવી રહ્યા છે.