Placeholder canvas

વાંકાનેર: અમરસર ફાટક પાસે રાજકોટ રોડ ઉપર માટીના ઢગલા

વાંકાનેર: અમરસર ફાટક પાસે રાજકોટ રોડ ઉપર છેલ્લા દશેક દિવસથી એક તરફ સફેદ માટીનો ઢગલા તો એક તરફ તાસનો ઢગલો પડેલ છે. પહેલી નજરે જોતા એવું લાગે છે કે કોઈ ખનીજચોર અહીંથી પસાર થતો હશે અને આગળ કાંઇક જોખમ ભર્યું લાગતા તેમને રોડ પર ડમ્પર ઠલવી દીધા હોય.

મળેલી માહિતી મુજબ છેલ્લા દસેક દિવસથી એક સાઇડનો અડધો રોડ રોકાઈ જાય તે રીતે આ ઢગલા પડ્યા છે તેમને કોઈ હટાવતું નથી, ઢગલાના કારણે કયારેક અકસ્માત થવાની પણ શક્યતાઓ રહેલી છે. આમ છતાં સ્ટેટ હાઈવેનું જવાબદાર તંત્ર માર્ગ અને મકાન વિભાગના પેટનું પાણી હલતું નથી. શું આ ઢગલાવો હટાવવા માટે જવાબદાર તંત્ર અહીં મોટા અકસ્માત કે કોઈ જાનહાની થવાની રાહ જોઇ રહ્યું છે ?

જવાબદાર અધિકારીઓ પોતાની ચેમ્બરમાંથી બહાર નીકળીને રસ્તાઓ પર લોકોને કેવી તકલીફ પડી રહી છે એ જુવે અને જરૂરી કામગીરી કરે. વાંકાનેરમાં વહીવટી તંત્રના અધિકારીઓને તો માત્ર પગારમાં રસ છે અને નેતાઓને માત્ર મતમાં રસ છે. પબ્લિક જાય ભાળમાં આવો સ્પષ્ટ મેસેજ તેમના વર્તન અને કામગીરી પરથી મળી રહયો છે.

આ ભારે ટ્રાફિકવાળા વાંકાનેર રાજકોટ રોડ પર આ માટીના ઢગલા કરનારની તપાસ કરીને તેમના પર કાર્યવાહી કરવામાં આવે અને રોડ પર કોઈ અકસ્માત કે જાનહાનિ ન થાય એ માટે માટીના ઢગલા હટાવવામા આવે તેવું લોકો ઇચ્છી રહ્યા છે.

આ સમાચારને શેર કરો