Placeholder canvas

વાંકાનેર તાલુકા પંચાયતમાં ભાજપ ફરી સતા પર : કોંગ્રેસના બે સભ્ય ગેરહાજર…

વાંકાનેર તાલુકા પંચાયતના આગામી અઢી વર્ષના શાસન માટે પ્રમુખ, ઉપપ્રમુખ ચૂંટણી કરવામાં આવી હતી. જેમાં ભાજપના પ્રમુખ અને ઉપપ્રમુખ ચૂંટાય આવ્યા હતા.

આ વાંકાનેર તાલુકા પંચાયતમાં પ્રમુખ અને ઉપપ્રમુખ પદના જંગ માટે ભાજપ તરફથી કૈલાશબા હરિસિંહ ઝાલા અને ઉપપ્રમુખ તરીકે દેવુબેન હનુભાઈ વીંઝવાડિયાએ ઉમેદવારી ફોર્મ ભર્યા હતા, જ્યારે કોંગ્રેસ પક્ષમાંથી પ્રમુખ પદ માટે કુલસુમબાનું ઉસ્માનગની પરાસરા જયારે ઉપપ્રમુખ પદ માટે રહીમ જલાલ ખોરજીયાએ ઉમેદવારી ફોર્મ ભર્યા હતા.

જેમની આજે ચૂંટણી થતા પ્રમુખ પદ માટે ભાજપના ઉમેદવાર કૈલાશબા હરિસિંહ ઝાલાને કુલ 13 મત મળ્યા હતા જ્યારે કોંગ્રેસના ઉમેદવાર કુલસુમબાનું ઉસ્માનગની પરાસરાને 08 મત મળ્યા હતા. જ્યારે ઉપપ્રમુખ માટે ભાજપના ઉમેદવાર દેવુબેન હનુભાઈ વીંઝવાડિયાને 13 મત અને કોંગ્રેસના ઉમેદવાર રહીમ જલાલ ખોરજીયાને 8 મત મળ્યા હતા. આમ વાંકાનેર તાલુકા પંચાયતના પ્રમુખ અને પ્રમુખ બંને પદ માટે ભાજપના ઉમેદવારો વિજેતા થયા છે. જ્યારે કોઠી અને લુણસર સીટના કોંગ્રેસના 2 સભ્યો ગેરહાજર રહયા હતા. તાલુકા પંચાયતની ચંદ્રપુર સીટ ખાલી છે. કુલ 24માંથી 21 સભ્યો હાજર રહયા હતા.

કોંગ્રેસે ભાજપમાં અસંતોષ હોવાના કારણે તેમનો લાભ મળશે તેવી આશાએ પ્રમુખ ઉપપ્રમુખના ઉમેદવારો ઊભા રાખ્યા હતા પરંતુ થયું એવું કે ભાજપમાંથી લાભ મળવાના બદલે તેમના પોતાના જ બે સભ્યો ગેરહાજર રહયા હતા.

આમ વાંકાનેર તાલુકા પંચાયતમાં બીજી ટર્મ માટે અઢી વર્ષ માટે ફરી પાછું ભાજપનું શાસન યથાવત રહ્યું છે અને આજે વાંકાનેર તાલુકા પંચાયતમાં મહત્વના હોદા પ્રમુખ પ્રમુખ મહિલાના ફાળે આવેલ છે. તેમજ હજુ કારોબારી ચેરમેન પદ પણ મહિલા સતાગ્રહણ કરશે તેવું વર્તુળોમાંથી જાણવા મળેલ છે.

આ સમાચારને શેર કરો