વાંકાનેર:ટેકરી પાસે થયેલ હત્યાનો આરોપી ચોટીલા પાસેથી ઝડપાયો

આરોપીની પત્ની સામે જોવા બાબતે માથાકૂટમાં હત્યા કરાયાનું ખુલ્યું

વાંકાનેર : વાંકાનેરમાં વૃદ્ધાશ્રમ નજીક દાતાર ટેકરી મફતીયાપરામાં ગઈકાલે ઢળતી સાંજે યુવાનની હત્યા કરી નાખવાના બનાવમાં મૃતકના કૌટુંબિક બહેનની ફરિયાદના આધારે ગુન્હો દાખલ થયો છે અને હત્યારો પોલીસની હાથવેંતમાં હોવાનું સૂત્રો જણાવી રહ્યા છે.

પ્રાપ્ત વિગતો મુજબ ગઈકાલે સાંજે વાંકાનેર દાતાર ટેકરી મફતીયાપરા નજીક કેશાભાઇ જીવાભાઇ ધંધુકીયા નામના યુવાનની છરીના ઘા ઝીકી હત્યા કરી નાખવામાં આવતા આ મામલે મૃતકના કૌટુંબિક બહેન ભાવનાબેન મયુરભાઇ પરબતાણીએ સિટી પોલીસ સ્ટેશનમાં આરોપી કિશોરભાઇ મગનભાઇ કોળી વિરુદ્ધ ફરિયાદ નોંધાવી હતી.

વધુમાં હત્યાના આ બનાવમાં મૃતક કેશભાઈએ આરોપી કિશોરની પત્ની સામે જોતા હોવાનું કારણ હાલ પ્રાથમિક તપાસમાં બહાર આવ્યું છે.બનાવ સમયે ફરિયાદી ભાવનાબેન ઘટના સ્થળે હાજર હોય અને સમગ્ર ઘટના નજરે નિહાળી હોય આરોપી કિશોર વિરુદ્ધ ફરિયાદી બનાવાયા છે. ઉલ્લેખનીય છે કે મૃતક કેશાભાઈ પરણિત હતા અને તેમને બે સંતાન હોવાનું બહાર આવ્યું છે.

આરોપી કિશોર

વધુમાં મળેલી માહિતી મુજબ આ હત્યાના બનાવ બાદ આરોપી કિશોર ચોટીલા તરફ નાસી ગયેલ હોવાની હકીકતને આધારે પોલીસે પગેરું દબાવતા  આરોપીના ફોટા વાંકાનેર શહેર પોલીસે આજુબાજુના પોલીસને મોકલીને મેસેજ છોડ્યો હતો કે આ હત્યાનો આરોપી છે. જેથી ચોટીલા પોલીસે આરોપીને ઝડપી લઈને વાંકાનેર પોલીસને જાણ કરતા વાંકાનેર શહેર પોલીસ આરોપીને લઈ આવવા માટે તજવીજ હાથ ધરી છે.

હાલ પોલીસે મૃતક કેશાભાઈના કૌટુંબિક બહેન ભાવનાબેનની ફરિયાદને આધારે આરોપી કિશોર વિરુદ્ધ આઈપીસી કલમ ૩૦૨,૫૦૪, જી.પી.એકટ કલમ ૧૩૫ મુજબ ગુન્હો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

આ સમાચારને શેર કરો