Placeholder canvas

વાલાસણ મીતાણા રોડનું માટીકામ કોન્ટ્રાકટરે કર્યું નહિ, અધિકારીઓએ સાંભળ્યું નહિ, થાકીને લોકોએ હાથમાં લીધું..!!

રોડ બની ગયા પછી એકાદા વર્ષ બાદ પણ સાઈડનું માટી કામ હજુ સુધી ન થયું તંત્રમાં અવારનવાર રજૂઆત કરી પણ અધિકારીઓ સાંભળ્યું જ નહીં.

આખરે લોકોએ થાકીને સ્વરાજ ડેરી-પીપળીયા રાજ, વાલાસણ ગ્રામ પંચાયત, વાલાસણ સહકારી મંડળી ગામલોકો અને રાહદારીઓએ આપેલો સ્વૈચ્છિક લોકફાળા દ્વારા કામ હાથમાં લીધુ !!

લોકોના વેધક સવાલ…
આ કામ શા માટે ન કરવામાં આવ્યું.? શું તેનું પેમેન્ટ કામ કર્યા વગર ચૂકવી દેવામાં આવ્યું છે? કોન્ટ્રાક્ટર અને અધિકારીઓની મિલીભગત છે.?

વાંકાનેર: વાંકાનેર થી મીતાણા જતો રોડમાં વાલાસણ ગામના ઝાપા સુધી ડબલ પટ્ટીનો સરસ રોડ થઈ ગયો વાલાસણ ગામના ઝાપાથી મીતાણાના તળાવ સુધી સિંગલ પટ્ટીનો જ રસ્તો રહ્યો અને મીતાણા ડેમથી મીતાણા ગામ સુધી ડબલ પટ્ટી નો રસ્તો થયો… !!! છેને તંત્રની લાજવાબ કામગીરી…

વાલાસણ થી મીતાણા ડેમ સુધી ડબલ પટ્ટીનો રસ્તો તો ન કર્યો પણ સાઇડનું માટી કામ પણ ન કર્યું. રોડથી સાઈડમાં ડાયરેક્ટ ફૂટ થી બે ફૂટ સુધીના ખાડો આવે અને બે વાહનો સામ સામે આવે એટલે એક વાહનને ફરજિયાત નીચે લેવું પડે એ પણ દોઢથી બે ફૂટ ખાડામાં !! તેમાં પણ તમે જો સ્પીડમાં હોવ અને નીચે લેવાની ભૂલ કરી ગયા એટલે સમજો કે ગયા. આવા એક બે નહીં પણ અનેક બનાવો બની ચૂક્યા હોવાનું ગામના આગેવાનોએ કહ્યું હતું. જો આવું થાય તો આમાં કોન્ટ્રાક્ટર કે અધિકારીઓના ક્યાં હાડકા ભાગવાના છે.?

આ રોડ ભલે ડબલ પટ્ટીનો ન થયો તેમાં કોઈ વહીવટી ઈશ્યુ હોય પણ માટી કામ કેમ ન કરવામાં આવ્યું ? એ એક મોટો સવાલ છે અમોએ આ સ્થળની અને ગામ લોકોને મુલાકાત લીધી ત્યારે ખરેખર આ રસ્તો ખૂબ જોખમી હતો અને ગામ લોકોના કહેવા મુજબ અહીંયા એક બે નહીં પણ અનેક અકસ્માતો પણ થઈ ચૂક્યા છે. આ રોડ પર અધિકારીઓએ સાઇડનું માટી કામ કેમ ન કરાવ્યું? અમોને લોકોમાંથી મળેલી માહિતી મુજબ કોન્ટ્રાક્ટરે સાઈડમાં માટી નાખી પણ દેખાવા પૂરતી ઉડાડી ગયો હતો. આ કામમાં કોન્ટ્રાક્ટરને સાઈડની માટી કામનું બિલ જવાબદાર અધિકારીઓએ તપાસ કર્યા વગર આપી દીધું.! શુ અધિકારી અને કોન્ટ્રાક્ટરની મીલી ભગત છે? તો જ આવું થાય ને…

આખરે આ રોડ પરથી જેમને દરરોજ પસાર થવું પડે છે, તેવા વાલાસણ, પીપળીયા રાજ ગામના લોકોએ થાકીને અને તેમની સલામતી માટે વાલસણ ગ્રામ પંચાયત, વલાસણ સહકારી મંડળી અને સ્વરાજ ડેરી પીપળીયા રાજ તેમજ લોકફાળા દ્વારા રોડ પર વધેલા બાવળ કાઢવાનું અને રોડની સાઈડમાં માટી કામ કરવાનું કામ હાથમાં લીધું. આ પૂર્વે આર એન્ડ બી માં અને કલેક્ટર સુધી રજૂઆતો થઈ પણ એક વર્ષ સુધીમાં આ જાડી ચામડીના અધિકારીઓના પેટનું પાણી પણ ન હલ્યું અને વારંવાર અકસ્માત થતા રહ્યા આખરે લોકોએ કંટાળીને “અપના હાથ જગન્નાથ” ની કહેવત મુજબ આ કામ તેમના હાથમાં જ લીધું અને તેમાં સંસ્થાઓનો ખાનગી વ્યવસાયકારો લોક ફાળો અને રસ્તા પરથી પસાર થતા રાહદારીઓએ આપેલા લોકફાળા દ્વારા આવા ધોમ ધખતા તાપમાનમાં માથે ઉભા રહીને વાલાસણ, પીપળીયા રાજ ગામના સરપંચો અન્ય આગેવાનો સ્વરાજ ડેરીમાંથી ઈરફાનભાઇ શેરસિયા અને પીપળીયા વાલાસણના યુવા કાર્યકરોએ રોડની સાઈડમાં વધેલા કાંટા કાઢવાનું અને રોડની સાઈડનું માટી કામ શરૂ કર્યું…. એ માટે તમામ સહભાગીઓને અભિનંદન આપવા ઘટે પણ આર એન્ડ બી ના અધિકારીઓના ગાલ પર આ એક તમતમ તો તમાચો જ પડ્યો કહેવાય… જો સમજે તો…

સંસ્થા ખાનગી સાહસો અને લોકફાળા દ્વારા શરૂ થયેલા આ કામની જાણ થતા આ વિસ્તારના પૂર્વ જિલ્લા પંચાયતના સદસ્ય અને મોરબી જિલ્લા પંચાયતના પૂર્વ કારોબારી ચેરમેન યુસુફભાઈ સરસીયા સ્થળની મુલાકાત લીધી હતી અને અધિકારીઓ જોડે ટેલિફોનિક વાતચીત કરી હતી અને સ્થળ પર આવવા જણાવ્યું હતું તેમજ વાલાસણ થી મિતા ડેમ સુધી જે સિંગલ પટ્ટી નો રસ્તો છે તેમને ડબલ પટ્ટીનો બનાવવાની રજૂઆત તેઓએ કરી હતી અને તેમની દરખાસ્ત સરકારમાં મોકલી દેવામાં આવી છે બહુ જ ટૂંક સમયમાં જે આ પ્રશ્નો છે તે ડબલ પટ્ટીનો રસ્તો બનતા સોલ્વ થઈ જશે એવું જણાવ્યું હતું…

જુઓ વિડિયો…

આ સમાચારને શેર કરો