Placeholder canvas

રાજકોટ: વ્યાજખોર પ્રોફસરે માસ્તર પાસેથી 5ના 9 લાખ લઇને વધુ 13 લાખ માંગ્યા !

રાજકોટમાં બે દિવસમાં વધુ 20 વ્યાજખોરો સામે 10 પોલીસ ફરિયાદ નોંધાઇ છે. હદ તો ત્યાં થઇ રહી છે કે હવે પ્રોફેસરને પણ વ્યાજખોરીનો નશો ચડી રહ્યો છે. ગાંધીગ્રામ પોલીસ સ્ટેશનમાં એક શિક્ષકે પ્રોફેસર સામે વ્યાજખોરીની ફરિયાદ નોંધાવી છે જેમાં પ્રોફેસરે શિક્ષક પાસેથી 5 લાખના 9 લાખ વસૂલી 13 લાખની માંગ કરી ધમકીઓ આપી હોવાનો ઉલ્લેખ કરાયો છે.

રાજકોટ શહેરના મનહર પ્લોટ વિસ્તારમાં રહેતા અને રામોદ ગામે છેલ્લા સાતેક વર્ષથી શિક્ષક તરીકે ફરજ બજાવતા ભાવેશભાઈ ઇંદુલાલભાઈ કારાવડીયાએ વૈશાલીનગરમાં રહેતા અને જસાણી કોલેજમાં પ્રોફેસર તરીકે નોકરી કરતા પરસોતમભાઈ મોહનભાઈ ઉપાડ સામે ગાંધીગ્રામ પોલીસમાં ફરિયાદ નોંધાવી છે જેમાં તેમને જણાવ્યું હતું કે મારે 2017 માં ફ્લેટ લેવો હોય તો રૂપિયાની જરૂરિયાત થતા લખાણ કરી 10 ટકે 5 લાખ લીધા હતા. જેનું હું રેગ્યુલર વ્યાજ ભરતો હતો. 2021 માં લખાણનો સમય પૂરો થઇ ગયો છે નવું લખાણ કરવું પડશે કહી 7 લાખનું લખાણ કરતા મેં ના પાડતા તું લખાણ નહિ કરે તો તને નોકરી કરવા જેવો નહિ રહેવા દઉં કહી જાનથી મારી નાખવા ધમકી આપી હતી.

વધુમાં તેમણે જણાવ્યું હતું કે, વર્ષ 2022 માં 4.60 લાખ ચૂકવી દીધા છતાં વધુ 13 લાખની પઠાણી ઉઘરાણી કરતાં અને ચેક બાઉન્સની નોટીસ મોકલી મારા બે કાર્ડ પડાવી લઇ 28 હજાર ઉપાડી દીધા હતા આમ મેં કુલ 5 લાખના 9.10 લાખ ચૂકવી દીધા છતાં 13 લાખ માંગી ધમકી આપતા હોવાથી ફરિયાદ નોંધાવી છે.

આ સમાચારને શેર કરો