Placeholder canvas

આખરે કોંગ્રેસે આળસ ખંખેરી ! વિધાનસભામાં વિરોધપક્ષના નેતાનું નામ કર્યું જાહેર.

ગુજરાત વિધાનસભામાં કારમી હાર બાદ ગુજરાત કોંગ્રેસમાં પક્ષના નેતાની નિમણૂં કરવાની કામગીરી ઘોંચમાં પડી હતી. જેમાં આંતરિક વિવાદ પણ ઉઠ્યો હતો. ત્યારે આખરે કોંગ્રસે ઊંઘમાંથી જાગી છે અને વિધાનસભામાં વિરોધ પક્ષના નેતાનું નામ ફાઈનલ કર્યું છે. આંકલાવના ધારાસભ્ય અમિત ચાવડાને વિધાનસભામાં વિરોધ પક્ષના નેતા બનાવાયા છે. દાણીલીમડાના ધારાસભ્ય શૈલેશ પરમારને વિધાનસભાના પક્ષના ઉપનેતા જાહેર કર્યાં છે.

ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં કોંગ્રેસ માંડ 17 બેઠકો પર સમેટાઈ ગઈ છે. કોંગ્રેસની હારનું પોસ્ટમોર્ટમ ચાલી રહ્યું છે. જેમાં ઈવીએમ અને નબળા સંગઠન પર દોષનો ટોપલો ઢોળાઈ રહ્યો છે. હાઈકમાન્ડે રચેલી કમિટીએ વન ટુ વન બેઠકો કરી છે. ગુજરાત કોંગ્રેસે હારનું ઠીકરું ફોડીને આ રિપોર્ટ હાઈકમાનને મોકલી આપ્યો છે પણ હવે સત્ય શોધક કમિટી તપાસ કરી રહી છે.

ચૂંટણીમાં મોદી અને શાહે સમય ફાળવ્યો પણ કોંગ્રેસના રાષ્ટ્રીય નેતાઓએ સમય ના ફાળવ્યો અને હવે હારનાં કારણો શોધી રહ્યાં છે. છેલ્લા કેટલાય દિવસોથી કોંગ્રેસ 17 બેઠકો જીતીને પણ એક વિરોધપક્ષના નેતા નક્કી કરી શકી ન હતી. આ મામલે કોંગ્રેસમાં પણ હવે ઉકળાટ ફેલાવા લાગ્યો હતો. છેલ્લે શૈલેષ પરમાર અને સીજે ચાવડાનું નામ હાઈકમાન્ડને મોકલાયું હતું. પરંતું આ વચ્ચે અમિત ચાવડાનું નામ ફાઈનલ થયુ છે.

આ સમાચારને શેર કરો