વડોદરા: પાદરાની ખુશ્બુ તાબે ન થતા ધર્મનાં ભાઇએ કરી હતી હત્યા
જયે ખુશ્બુને ચોપડીનાં પુંઠા ચઢાવવાને બહાને ઘરે બોલાવીને બળજબરીપૂર્વક પકડીને વશમાં લેવાનો પ્રયાસ કર્યો હતો.
વડોદરા : પાદરાના ચાણસદ ગામમાં રહેતી અને એમ.એસ. યુનિવર્સિટીની કોમર્સની વિદ્યાર્થિની ખુશ્બુ જાનીની હત્યાનો ભેદ ખુલતા ચકચાર મચી ગઇ છે. જિલ્લા એલસીબી પોલીસે આ ખુશ્બુની હત્યામાં બાબતે કહ્યું કે, ‘તેની હત્યા ધર્મનાં ભાઇ જય વ્યાસે કરી છે.
જયે ખુશ્બુને ચોપડીનાં પુંઠા ચઢાવવાને બહાને ઘરે બોલાવીને ખુશ્બુને બળજબરીપૂર્વક પકડીને વશમાં લેવાનો પ્રયાસ કર્યો હતો. પરંતુ ખુશ્બુએ પ્રતિકાર કરતા જયે ક્રુરતાપૂર્વક હથોડી અને કુહાડીનાં ઘા ઝીંકીને હત્યા કરી નાંખી હતી.’ પોલીસે જય વ્યાસ અને હત્યા બાદ પુરાવાનો નાશ કરવામાં મદદ કરનાર તેના માતા-પિતાની ધરપકડ કરી હતી.
આ અંગે પોલીસે વધુમાં જણાવ્યું કે, ખુશ્બુનો મૃતદેહ જે ગોદડીમાં લપેટેલી મળી હતી તેની પર આંગણવાડી બહેનોની સાડીની ખોલ હતી. આ સાથે પ્લાસ્ટિકની થેલી તેમજ કેબલ વાયરની તપાસ કરાતા આ આખી વાત સામે આવી છે. પોલીસ જ્યારે આ કેસની તપાસ કરી રહી હતી ત્યારે 17મી ડિસેમ્બરે ગામનાં સ્વામિનારાયણ મંદિરનાં સીસીટીવીનાં ડીવીઆરની પણ ચોરી થતાં પોલીસનો શક વધારે મજબૂત બન્યો હતો. જે બાદ પોલીસે જય અને તેના માતા પિતાની ધરપકડ કરી હતી.