Placeholder canvas

સાંસદ મોહનભાઇ કુંડારિયાના હસ્તે 3 શરણાર્થીઓને નાગરિકતા સર્ટિફિકેટ અપવામાં આવ્યા

મોરબી : નાગરિકતા સંશોધન બીલ બન્ને સદનોમાં પાસ થયા બાદ રાષ્ટ્રપતિની સહી થઈ ગયાથી જ નાગરિકતા કાયદો અસ્તિત્વમાં આવી ગયો છે. આ કાયદા હેઠળ 31 ડિસેમ્બર 2014 પહેલા જે જે શરણાર્થીઓ ભારતના 3 પાડોશી દેશ, અફઘાનિસ્તાન, પાકિસ્તાન અને બાંગ્લાદેશમાંથી ધર્મને આધારે પ્રતાડિત થઈને ભારતમાં શરણે આવ્યા છે તેઓ અત્યાર સુધી કાયદેસરની ભારતીય નગરિકતાના હક્કથી વંચિત હતા. આથી તેઓને ભારતના મૂળ નાગરિકને મળતા હક્કો પ્રાપ્ત થઈ શકતા ન હતા. આ કાયદો લાગુ થવાથી આવા લાખો શરણાર્થીઓને ભારત સરકાર હવે કાયદેસરના દસ્તાવેજો આપીને તેઓને ભારતના નાગરિક બનાવી રહી છે.

સમગ્ર દેશમાં સહુ પ્રથમ ગુજરાતમાં આવી કાયદેસરની નાગરિકતા આપવાની પ્રક્રિયાનો પ્રારંભ થયો છે. જે અંતર્ગત આજે મોરબીમાં વસતા આશરે 1 હજાર શરણાર્થીઓને ભારતીય નાગરિક બનવા માટે જરૂરી દસ્તાવેજ રૂપી સર્ટિફિકેટ આપવાનો પ્રારંભ થયો છે.

પાકિસ્તાનના સિંધ પ્રાંતના થરપાકર જિલ્લાના મીઠી તાલુકાના આશરે 10 પરિવારો મોરબી તાલુકાના વાવડી ગામે આવીને વસ્યા છે. 2007ની સાલમાં પાકિસ્તાનથી આવીને વસેલા આ પરિવારોના 3 સદસ્યોને આજે સાંસદ મોહનભાઇ કુંડારિયાના હસ્તે ભારતીય નાગરિક તરીકે પ્રસ્થાપિત થવાના સર્ટિફિકેટ આપવામાં આવ્યા હતા. આ કાર્યક્રમમાં ત્રણ શરણાર્થીઓને ટોકન સ્વરૂપે રેન્ડમલી પસંદ કરવામાં આવ્યા હતા. હવે ટૂંક સમયમાં મોરબી જિલ્લામાં વસતા આશરે 1000 શરણાર્થીઓને ભારતીય નાગરિકતા આપવાની પ્રક્રિયા વેગવાન બનાવવામાં આવશે એવું મોહનભાઇ કુંડારિયાએ જણાવ્યું હતું.

આ સમાચારને શેર કરો