Placeholder canvas

ક્રિકેટ રમતાં-રમતાં બે યુવાનો હાર્ટ-એટેકથી ઢળી પડ્યા : રાજકોટમાં 20 દિવસમાં ત્રીજી ઘટના…

આજે ગુજરાતમાં એકસમાન બે શોકિંગ ઘટના બની છે. ક્રિકેટ રમતાં રમતાં રાજકોટ અને સુરતમાં બે યુવાનોના હાર્ટ-એટેકના કારણે મોત થયાં છે. રાજકોટમાં તો 20 દિવસમાં આ પ્રકારની ત્રીજી ઘટના બની છે.

રાજકોટ

રાજકોટમાં ક્રિકેટ રમતાં રમતાં ત્રીજા યુવાન જીજ્ઞેશ ચૌહાણને હાર્ટ-એટેક આવ્યો અને મેદાનમાં જ ઢળી પડ્યો હતો. એકસાથે ઉપરાઉપરી ત્રણ એટેક આવી જતા જીજ્ઞેશનું મોત નીપજ્યું હતું. જીજ્ઞેશે 30 રનની ઇનિંગ પણ રમી હતી. જોકે, આ ઇનિંગ તેની જિંદગીને અંતિમ ઇનિંગ સાબિત થઈ હતી. બીજી તરફ સુરતમાં પણ આજે હસતો રમતો યુવક અચાનક જ મોતને ભેટ્યો હતો. ક્રિકેટ રમી ઘરે પરત આવ્યા બાદ અચાનક છાતીમાં બળતરા અને ગભરામણ થઈ જતા તાત્કાલિક સારવાર અર્થે ખાનગી હોસ્પિટલમાં ખસેડાયો હતો જ્યાં ટૂંકી સારવાર બાદ અચાનક તેનું મોત થયું પછી હતું. યુવક કેનેડામાં એન્જિનિયરિંગનો અભ્યાસ કરતો હતો.

માધવરાય સિંધિયા ક્રિકેટ ગ્રાઉન્ડમાં રાજકોટ ઇન્ટરપ્રેસ મીડિયા ટુર્નામેન્ટ ચાલી રહી છે. જેમાં જીજ્ઞેશ ચૌહાણ (ઉં.વ.31)એ પણ ભાગ લીધો હતો. આજે તેમની ટીમવતી તેણે 30 રનની ઇનિંગ રમી હતી. બાદમાં આઉટ થઈને તે ખુરશી પર બેઠો હતો. ત્યારે જ અચાનક એકસાથે ત્રણ એટેક આવતા તે ખુરશી પરથી ઢળી પડ્યો હતો. બાદમાં ટીમના ખેલાડીઓ હાંફળાફાંફળા થઈ ગયા હતા અને તેને બચાવવા દોડ્યા હતા. જીજ્ઞેશને સારવાર માટે સિવિલ હોસ્પિટલ ખસેડ્યો હતો. પરંતુ ફરજ પરના તબીબે તેને મૃત જાહેર કરતા મીડિયા જગતમાં શોકની લાગણી પ્રસરી ગઈ છે.

સુરત

સુરતના વરાછા સ્થિત જોલી એન્કલેવમાં રહેતો, હસતો રમતો અને સ્વસ્થ સ્વાસ્થ્ય ધરાવતો 27 વર્ષીય યુવક પ્રશાંત કાંતિભાઈ ભારોલિયાનું અચાનક જ મોત નીપજ્યું હતું. પ્રશાંત ભારોલિયા સવારે હસતો રમતો હતો અને મિત્રો સાથે ક્રિકેટ રમવા ગયો હતો. ક્રિકેટ રમી પરત આવ્યો અને થોડી જ વારમાં ઘરે અચાનક છાતીમાં બળતરા થવા લાગી અને ગભરામણ થવા લાગી હતી. જેને લઈ પરિવાર દ્વારા તેને તાત્કાલિક સારવાર અર્થે ખાનગી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. જ્યાં ટૂંકી સારવાર બાદ અચાનક જ તેનું મોત નીપજ્યું હતું.

કેનેડામાં એન્જિનિયરિંગનો અભ્યાસ કરતો હતો
પ્રશાંત કાંતિભાઈ ભારોલિયા કેનેડામાં સિવિલ એન્જિનિયરિંગનો અભ્યાસ કરતો હતો. એકાદ વર્ષથી પ્રશાંત પરિવાર પાસે આવ્યો હતો અને એક વિષયની પરીક્ષા આપવા માટે ફરી કેનેડા જવાનો હતો. દરમિયાન ક્રિકેટ રમીને ઘરે આવેલા પ્રશાંતને અચાનક છાતીમાં બળતરા થવા સાથે ગભરામણ શરૂ થઈ હતી. પ્રશાંતે પોતાને શરૂ થયેલી પીડાની જાણ પરિવારને કરતા તેને તાત્કાલિક સારવાર માટે ખાનગી હોસ્પિટલમાં ખસેડાયો હતો. ત્યારબાદ વધુ સારવાર માટે સ્મીમેર હોસ્પિટલમાં લવાયો હતો. જોકે, તબીબી સારવાર કારગત નીવડે તે પહેલાં તેનું મોત થઈ ચૂક્યું હતું.

આ સમાચારને શેર કરો