હિરાસર એરપોર્ટ પાસે 60 કરોડના ખર્ચે ‘ટ્રમ્પેટ’ બ્રીજ બનશે.
સૌરાષ્ટ્રના પાટનગર એવા રાજકોટના વિકાસને નવી દિશા આપતા આંતરરાષ્ટ્રીય ગ્રીનફીલ્ડ હિરાસર એરપોર્ટ પાસે રૂા.60 કરોડના ખર્ચે ટ્રમ્પેટ બ્રીજનું નિર્માણ કરવામાં આવશે તેમ જીલ્લા કલેકટર અરૂણ મહેશ બાબુએ જણાવી ઉમેયુર્ં હતું કે જીલ્લામાં સૌ પ્રથમવાર આ પ્રકારના નિર્માણ થનારા આ બ્રીજની ડિઝાઈન ફાઈનલ કરી દેવામાં આવી છે.
આગામી ટુંક સમયમાં એજન્સી ફાઈનલ થયા બાદ આંતરરાષ્ટ્રીય હિરાસર એરપોર્ટથી રાજકોટ-અમદાવાદ હાઈવેને જોડતા આ માર્ગ ઉપર આ ટેમ્પપેટ બ્રીજની નિર્માણ કામગીરી આરંભી દેવામાં આવશે. આ બ્રીજ 2.4 કિલોમીટરનો નિર્માણ કરાશે. અહીં એ ઉલ્લેખનીય છે કે આંતરરાષ્ટ્રીય હિરાસર એરપોર્ટની નિર્માણ કામગીરીને પીએમઓ કાર્યાલયની નિગરાની હેઠળ ઝડપભેર આગળ વધારવામાં આવી રહી છે. આંતરરાષ્ટ્રીય એરપોર્ટમાં હંગામી ટર્મીનલ, એટીસી ટાવર, રનવે સહિતની કામગીરી પરિપૂર્ણ કરી દેવામાં આવી છે. આ ઉપરાંત આ આંતરરાષ્ટ્રીય એરપોર્ટથી રાજકોટ- અમદાવાદ હાઈવેને જોડતા રોડ વિસ્તારના જુના હિરાસર ગામ તળના દબાણોની પણ ગઈકાલે કલેકટર તંત્ર દ્વારા ઓપરેશન ડીમોલીશન કરી સાફસુફી કરી નાખવામાં આવી હતી.
આ ઉપરાંત જુના હિરાસર ગામ તળનાં મોટાભાગના આસામીઓને વળતર ચુકવી જમીન સંપાદનનો પ્રશ્ર્ન પણ હલ કરી નાખવામાં આવેલ છે. તેમજ આગામી ટુંક સમયમાં આ આંતરરાષ્ટ્રીય એરપોર્ટના રનવે પર લાઈટ ટેસ્ટીંગ માટેની ગતિવિધિઓ પણ તેજ કરી દેવામાં આવી છે. હાલ એરપોર્ટ ઓથોરીટી દિલ્હીના ઉચ્ચ અધિકારીઓએ આ એરપોર્ટ ઉપર પડાવ નાખી રનવેની ચકાસણી સાથે રિપોર્ટ તૈયાર કરવાની કામગીરી કરી રહ્યા છે. દરમ્યાન હિરાસર એરપોર્ટ પાસે એરપોર્ટથી રાજકોટ અમદાવાદ હાઈવે પર જોડતા રોડ પર ટ્રમ્પપેટ બ્રીજનું રૂા.60 કરોડના ખર્ચે નિર્માણ કરવા માટે ડીઝાઈન ફાઈનલ કરી દેવામાં આવી છે.