Placeholder canvas

રાજકોટમાં ટ્રિપલ મર્ડર: પતિએ એક્ટિવા પર ટ્રક ચડાવીને પત્ની, પુત્ર અને પત્નીના પ્રેમીને કચડી નાખ્યાં…

રાજકોટમાં અકસ્માત સર્જી ત્રણ લોકોની હત્યા કરી હોવાની ઘટના સામે આવી છે. પહેલાં શહેરના આજી ડેમ ચોકડી પાસે ટ્રકની અડફેટે એક્ટિવા સવાર ત્રણ લોકોના મોત થયા હોવાની ઘટના બની હતી. જોકે, અકસ્માતની ઘટના મામલે પોલીસે તપાસ કરતા આ અકસ્માત નહીં પરંતુ ત્રિપલ મર્ડર હોવાનો ખુલાસો થયો છે. જેમાં યુવતીના જ પતિએ જ હત્યા કરવાના ઈરાદે ટ્રક એક્ટિવા પર ચડાવી પત્ની પારુલ, પત્નીના પ્રેમી નવનીત અને પોતાના 10 વર્ષના બાળક ઉપર ચડાવી દઈ હત્યા નિપજાવી હતી.

ટ્રકની અડફેટે એક્ટિવા સરવાર ત્રણના મોત મળતી પ્રાથમિક માહિતી મુજબ રાજકોટમાં આજે રવિવારના દિવસે વધુ એક ગોઝારો અકસ્માત થયાનું સામે આવ્યું હતું. જેમાં આજી ડેમ ચોકડી નજીક ટ્રકે એક્ટિવાને અડફેટે લેતા એક બાળક અને એક યુવતી સહિત ત્રણના મોત નિપજ્યાં હતા. સમગ્ર ઘટાને પગલે સ્થાનિક પોલીસનો કાફલો દોડી આવ્યો હતો. ત્રણેય મૃતદેહને સિવિલ હોસ્પિટલ ખાતે પોસ્ટમોર્ટમ માટે ખસેડી વધુ તપાસ હાથ ધરી છે.

10 વર્ષના બાળકનું ઘટના સ્થળે મોત અને યુવતી અને યુવકનું ટૂંકી સારવાર બાદ મોત

પ્રાપ્ત વિગત મુજબ શહેરની ભાગોળે આજી ડેમ ચોકી પાસે પૂરપાટ ઝડપે આવતા કન્ટેનરે એક્ટિવાને અડફેટે લેતા તેના ઉપર સવાર તમામ લોકો ફૂટબોલની જેમ ફંગોળાયા હતા. જેમાં એક 10 વર્ષના બાળકનું મોત નિપજ્યું હોવાથી તેને પોસ્ટમોર્ટમ માટે અને અન્ય એક યુવતી તેમજ એક યુવકને સારવાર માટે ખસેડાયા હતા, જેમનું પણ ટૂંકી સારવાર બાદ મોત નિપજ્યું હતું. આ બંનેના નામ 24 વર્ષીય નવનીત સામજીભાઈ વરૂ તેમજ 32 વર્ષીય પારુલબેન દફડા હોવાનું પોલીસની પ્રાથમિક તપાસમાં સામે આવ્યું છે. તો મૃતક યુવતી અને યુવક કેટરિંગનું કામ કરતા હોવાનું જાણવા મળતા પોલીસે પરિવારને જાણ કરી હતી.

પ્રાથમિક તપાસમાં અકસ્માત ત્રિપલ મર્ડર હોવાનું ખુલ્યું

સમગ્ર મામલે એસીપી ભાવેશ જાદવે જણાવ્યું હતું કે, આ અકસ્માત નહીં પરંતુ ત્રિપલ મર્ડર હોવાનું પ્રાથમિક તપાસમાં સામે આવ્યું છે. જેમાં મૃતક મહિલાને નવનીત રામજીભાઈ વરૂ સાથે પ્રેમ સંબંધ હતો. જેથી આ મામલે પારુલના પતિ સાથે માથાકૂટ ચાલતી હતી. જેને લઇને પારુલના પતિએ જ હત્યા કરવાના ઈરાદે ટ્રક એક્ટિવા પર ચડાવી પત્ની પારુલ, પત્નીનો પ્રેમી નવનીત અને પોતાના 10 વર્ષના બાળક ઉપર ચડાવી દઈ હત્યા નિપજાવી હતી. હાલ પીઆઇ એલ.એલ. ચાવડાના માર્ગદર્શન હેઠળ પોલીસ સ્ટાફે આરોપી પતિને સકંજામાં લઈ IPC 302 સહિતની કલમો હેઠળ ગુનો નોંધવા તજવીજ હાથ ધરી છે.

આ સમાચારને શેર કરો