Placeholder canvas

રાજકોટ: ‘તોડકાંડ’ સામે આકરા પગલા: CPની બદલી, ત્રણ સસ્પેન્ડ

પગલાં લેવાશે તેવા એંધાણ હતા પણ આટલા આકરાં લેવાશે તેવી કલ્પના નોહતી…

રાજકોટના ધારાસભ્ય ગોવિંદભાઈ પટેલે ક્રાઈમ બ્રાન્ચ દ્વારા ફરિયાદી પાસેથી 75 લાખનો ‘તોડ’ કરી લેવાયો છે અને તેમાં પોલીસ કમિશનરનો પણ હાથ છે તેવો આક્ષેપ કરતો લેટરબોમ્બ ફોડીને ખળભળાટ મચાવી દીધો હતો. જ્યારે કોઈ પક્ષના જ મંત્રી, સાંસદ અને ધારાસભ્ય તપાસની માંગણી કરી રહ્યા હોય ત્યારે સજ્જડ કાર્યવાહી કરવા માટે ભાજપ પણ ‘ફિક્સ’માં મુકાઈ ગયો હોવાનું ચર્ચાઈ રહ્યું છે. બીજી બાજુ વિધાનસભા સત્રને પણ બે દિવસનો સમય બાકી રહ્યો છે તે મળે તેના પહેલાં જ ભાજપે ડેમેજ કંટ્રોલ કરી લીધાનું ચિત્ર ઉપસ્થિત થઈ રહ્યું છે.

સરકાર દ્વારા પોલીસ કમિશનર મનોજ અગ્રવાલની જૂનાગઢ પોલીસ ટ્રેનિંગ સેન્ટરમાં બદલી કરી નાખી છે તો ક્રાઈમ બ્રાન્ચના તત્કાલિન પીઆઈ વી.કે.ગઢવી કે જે હાલ વડોદરા પોલીસ ટ્રેનિંગ સેન્ટરમાં છે તેમને, ક્રાઈમ બ્રાન્ચના તત્કાલિન પીએસઆઈ (હાલ અમદાવાદ પોલીસ કંટ્રોલરૂમ) એસ.વી.સાખરા અને પીઆઈના રાઈટર યોગેન્દ્રસિંહ રાણાને સસ્પેન્ડ કરી દીધા છે.

હવે આ મામલે એન્ટી કરપ્શન બ્યુરો (એસીબી)એ પણ ઝંપલાવ્યું હોવાથી આ ચારેયની મુશ્કેલી વધશે તેમાં શંકાને કોઈ સ્થાન નથી. એસીબી દ્વારા હવે આ ચારેય અધિકારી-કર્મચારી પાસે કેટલી સંપત્તિ છે તેની બારીકાઈથી તપાસ કરવામાં આવશે એટલા માટે ધારણા બહારની કાર્યવાહી થાય તેવી પણ સંભાવના નકારી શકાતી નથી.

સૌથી મહત્ત્વનો સવાલ એ ઉપસ્થિત થાય છે કે પીઆઈ-પીએસઆઈ-રાઈટર ઉપર શા માટે સસ્પેન્સનની તલવાર ફેરવી દેવામાં આવી છે ? આ પાછળનું મુખ્ય કારણ એ ગણવામાં આવી રહ્યું છે કે કરોડો રૂપિયાની છેતરપિંડીનો બનાવ બની ગયો હોવા છતાં તેની ફરિયાદ લેવાને બદલે ક્રાઈમ બ્રાન્ચ દ્વારા ‘ઓનેઓન’ અરજીના આધારે કાર્યવાહી કરવાનું ડીંડવાણું કરવામાં આવ્યું અને અરજીના આધારે જ ફરિયાદી પાસેથી ‘તોડ’ પણ કરી લેવામાં આવ્યો ! આ અંગે એક નહીં બલ્કે અનેક પૂરાવા મળી જતાં સરકાર પાસે આ ત્રણેયને સસ્પેન્ડ કરવા સિવાયનો કોઈ જ રસ્તો બચતો નહોતો.

જિલ્લો નહીં છોડવા આદેશ
સરકારે રાજકોટ ક્રાઈમ બ્રાન્ચના તત્કાલિન પીઆઈ વી.કે.ગઢવી, પીએસઆઈ એસ.વી.સાખરા અને રાઈટર યોગેન્દ્રસિંહ રાણાને સસ્પેન્ડ કરવાનો હુકમ કર્યો છે સાથે સાથે આ ત્રણેયને પોતપોતાના જિલ્લા નહીં છોડવા પણ આદેશ આપ્યો હોવાનું જાણવા મળી રહ્યું છે. અત્યારે વી.કે.ગઢવી વડોદરા, સાખરા અમદાવાદ અને યોગેન્દ્રસિંહ રાણા રાજકોટમાં તૈનાત છે ત્યારે તેઓએ ત્યાં જ રહેવું પડશે.

આ સમાચારને શેર કરો