Placeholder canvas

આજે વર્લ્ડ ટી.બી.ડે: નખ કે વાળ સિવાયના શરીરના કોઈપણ અંગમાં ટીબી થઈ શકે છે.

ટીબીની સતત સારવારથી આ રોગમાંથી મુક્ત થઈ શકાય છે.

કેન્સર, એઇડઝ, કોરોના ઉપરાંત વિશ્વ આજે એક આવી જ અન્ય ગંભીર બીમારી સામે ઝઝૂમી રહ્યું છે, એ છે ક્ષય. જેને ટી.બી.(ટયુબરકયુલોસીસ)ના નામે પણ ઓળખવામાં આવે છે. અગાઉના સમયમાં ‘રાજરોગ’ ની ઉપમા ધરાવતી આ બિમારી એટલે ટી.બી. કે જે વર્ષોથી માનવ જીવનને ઊધઈની માફક કોરી રહી છે.

ટી.બી.નો કોર્ષ એક વર્ષ જેટલો લાંબો કે તેથી પણ વધુનો હોય છે. ટી.બી.માં 85 ટકા જેટલો રીકવરી રેટ રહેતો હોય છે. ટી.બી. એ ફેફસામાં, સ્વરપેટીમાં, લસિકાગ્રંથીમાં, હાડકાંમાં, ત્વચામાં, ગર્ભાશય, લીવર, મગજ, આંતરડા કે શરીરના કોઇ પણ અંગમાં પેસારો કરી શકે છે. માત્ર નખ અને વાળ સિવાય શરીરના કોઇ પણ અંગમાં ટી.બી. થઇ શકે છે. ફેફસાનો ટી.બી. ચેપી હોય છે. પરંતુ ફેફસા સિવાયનો ટી.બી. ચેપી હોતો નથી.

ટી.બી.ના દર્દીના શરૂઆતના લક્ષણોમાં દર્દીનું વજન ઘટી શકે છે અને તેને ઉધરસ આવતી હોય છે. આ કારણોસર જ દર્દીને પોષણયુકત આહાર મળી રહે તે માટે ભારત સરકાર દ્વારા તમામ દર્દીઓને નિક્ષય પોષણ સહાય યોજના અન્વયે દર માસે 500 રૂપિયા ચૂકવવામાં આવે છે. ટી.બી.નો કોર્ષ મોટા ભાગે એક વર્ષ જેટલા સમય સુધી ચાલે તો એક વર્ષ સુધી રૂ. 500 દર્દીના ખાતામાં ટી.બી. કેન્દ્ર દ્વારા ચૂકવવામાં આવે છે.

ટ્યુબરકયુલોસીસ બેકટેરિયા એટલે કે ટી.બી.ની ઓળખ સૌ પ્રથમ વખત 24 મી માર્ચ 1882ના દિવસે માઈક્રોબાયોલોજીના જનક ગણાતા ડો. રોબર્ટ કોચએ કરી હતી. ત્યારથી ટી.બી.ની જાગૃતિ અર્થે 24 મી માર્ચે વિશ્વ ક્ષય દિવસ મનાવવામાં આવે છે. સવાસો વર્ષ પહેલાથી અસ્તિત્વમાં આવેલા ટી.બી. રોગને કારણે અત્યાર સુધી મોટી સંખ્યામાં લોકોના મૃત્યુ નિપજ્યા છે. પરંતુ આજે આ ટી.બી. રોગ આધુનિક સારવારથી મટાડી શકાય છે. ટી.બી.ના જીવાણુંઓ ગળફા કે શ્વાસોશ્વાસ દ્વારા હવામાં ફેલાય છે. આ દુષિત હવા શ્વાસમાં જવાથી તંદુરસ્ત વ્યક્તિને આ રોગનો ચેપ લાગી શકે છે.

એક અંદાજ પ્રમાણે વિશ્વમાં રોજના એક હજારથી વધુ મૃત્યુ ક્ષય-ટી.બી.ના રોગના કારણે થાય છે. સમાજને પાંગળો બનાવી દેતા ટી.બી.ને નિયંત્રણમાં લાવવા માટે ભારત સરકાર અને રાજ્ય સરકાર દ્વારા સવિશેષ પ્રયાસો કરવામાં આવી રહયાં છે. આ માટે રાષ્ટ્રીય સ્વાસ્થ્ય મિશન અંતર્ગત રાષ્ટ્રીય ક્ષય નિયંત્રણ માટેના કાર્યક્રમોનું પણ સમયાંતરે આયોજન પણ કરવામાં આવે છે.

દર્દીઓની શારીરિક અવસ્થાની સાથે માનસિક અવસ્થાનો ચિતારમાં સામાન્ય રીતે ટી.બી.ની સારવાર દરમિયાન દવાઓના ડોઝને કારણે દર્દીઓને ચીડિયાપણું, એકલતા અને હતાશાના લક્ષણો પણ ઘેરી વળે છે. તેવા સમયે તેમના માટે પરિવારની હુંફ, પ્રેમ અને ધૈર્ય ખુબ જરૂરી છે. જેને ધ્યાને લઈ દર્દીઓને બીમારી સામે લડવાની હિંમત મળે, તે માટે જિલ્લા ક્ષય કેન્દ્રમાં મનોચિકિત્સકો પણ વિશેષ ભૂમિકા ભજવી રહ્યા છે.

ટી.બી.ની સારવાર ધીરજ અને સમય માંગી લે તેવી છે. દર્દીઓની ધીરજના અભાવને કારણે તેઓ અધવચ્ચેથી જ સારવાર લેવાનું છોડી દે અને યોગ્ય સારવાર લેવામાં ન આવે તો ટી.બી.(મલ્ટી ડ્રગ રજીસ્ટર) થવાની સંભાવના વધી જાય છે.

આ સમાચારને શેર કરો