આજે મોરબીમાં 6 અને લજાઈમાં 1 કોરોના પોઝિટિવ કેસ નોંધાયા
મોરબી : મોરબી જિલ્લામાં આજે સાંજ સુધી એક પણ કોરોના કેસ ન નોંધાયા બાદ સાંજે 6 વાગ્યે એક સાથે સાત કોરોના પોઝિટિવ કેસ નોંધાયા હતા. જેમાં 6 કેસ મોરબી શહેર અને એક કેસ ટંકારા તાલુકાના લજાઈ ગામમાં નોંધાયો છે.
આજે સાંજે 6 વાગ્યે જાહેર થયેલા કેસની મળતી વિગત મુજબ મોરબી શહેરની પારેખ શેરીમાં રહેતા એક જ પરિવારના બે સભ્યોનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. જેમાં 49 વર્ષના માતા અને તેમના 26 વર્ષના પુત્રનો રિપોર્ટ પોઝિટિવ જાહેર થયો છે. જ્યારે મોરબી શહેરના ભવાની ચોકમાં રહેતા 40 વર્ષના પુરુષ અને મોરબી શહેરના રવાપર રોડ પર, કુંજ ગલીમાં રહેતા 33 વર્ષના યુવાનનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. આ ઉપરાંત મોરબી શહેરની વર્ધમાન સોસાયટીમાં રહેતા 52 વર્ષના પુરુષ તેમજ મોરબી શહેરની સોમૈયા સોસાયટીમાં રહેતા 55 વર્ષના પુરુષનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. તેમજ ટંકારા તાલુકાના લજાઈ ગામે રહેતા 65 વર્ષના વૃદ્ધનો કોરોના રિપોર્ટ પોઝિટિવ જાહેર થયો છે.
આજે મોરબી શહેરમાં છ અને ટંકારા તાલુકામાં 1 સહિત આજે 7 કેસ નોંધાયા છે. આ સાથે મોરબી જિલ્લામાં કોરોનાના કુલ કેસનો આંકડો 196 થઈ ગયા છે.