Placeholder canvas

ચુડવામાં વાદળ ફાટતા વોંકળામાં આવેલા પુરમાં રીક્ષા તણાતા ત્રણ મહિલાના મોત.

ગઈકાલે માણાવદરના ચુડવા ગામે બપોરના 4-30 કલાક બાદ બારે મેઘ ખાંગા થયા હોય તેમ આકાશમાં ઘટાટોપ વાદળો ચડી આવતા એક વાદળ ફાટયું હોય તેમ 22 મીનીટમાં 3 ઈંચ વરસાદ તુટી પડતા ચોતરફ પાણી પાણી થઈ જવા પામતા ખેતરો, વોંકળા, નદી, નાળા ગારીઓ ગાડાવટ રોડ રસ્તા ઉપર પાણીના ઘોડાપુર દોડતા થવા પામ્યા હતા. ખેતરોમાં કામ કરી રહેલા ખેડૂતો-શ્રમજીવીઓ અનરાધાર વરસાદમાં કયાં જવું કેમ જીવ બચાવવો તેની ચિંતામાં મુકાઈ જવા પામ્યા હતા.

ઉપલેટાના લાઠ ગામના મજુરો ચુડવા ગામે ડુંગળી મોરવા (કાપવા) માટે ચુડવા ગામની સીમમાં આવેલ હતા. ત્યારે ભારે કડાકા ભડાકા સાથે તુટી પડેલા વરસાદના કારણે બે રીક્ષામાં લાઠ ગામના શ્રમજીવીઓ ઘરે વતન જવા નીકળ્યા ત્યારે ચુડવા ગામની ગારીમાં એક રીક્ષા નીકળી ગયા બાદ બીજી રીક્ષામાં બેઠેલા મજુરોને બહાર લઈ આવવા રીક્ષા સાથે દોરડુ બાંધી બહાર લાવવા પ્રયાસો શરૂ કર્યા હતા. છકડો રીક્ષામાં 12 મજુરોને બહાર લાવા પ્રયાસો કરતા ભારે પુરમાં રીક્ષા તણાઈ જવા પામતા 9 શ્રમજીવીઓને મહામહેનતે બચાવી લેવાયા હતા જયારે ભારતીબેન ગોવિંદભાઈ સોલંકી (ઉ.40) રે. લાઠ (ઉપલેટા), શાન્તાબેન રાજાભાઈ રાઠોડ (ઉ.60) રે. લાઠ અને સંજનાબેન ગોવિંદભાઈ સોલંકી (ઉ.18) રે. લાઠ (ઉપલેટા) પુરમાં તણાઈ જવા પામ્યા હતા.

બનાવની જાણ થતા ચુડવા ગામના સરપંચ હરેન્દ્રસિંહ ઝાલા ગ્રામ્યજનો ઘટનાસ્થળે પહોંચી ગયા હતા. અને માણાવદર મામલતદાર કે.જે. મારુ, તાલુકા વિકાસ અધિકારી મીનાબેન સોમપરા, પીએસઆઈ કે.બી. લાલકા પોલીસ સ્ટાફ ઘટના સ્થળે દોડી આવ્યો હતો. મામલતદાર કે.જે. મારુએ તાત્કાલીક જુનાગઢ ફલડ કંટ્રોલનો સંપર્ક કરી જુનાગઢની ડિઝાસ્ટરની ટીમ તરવૈયાઓ, કેશોદની ટીમને તાત્કાલીક ઘટનાસ્થળે બોલાવી લીધી હતી. નાળાઓ દોરડા હોળી ઈમરજન્સી લાઈટો સાથે પાણીમાં તણાઈને ગૂમ થયેલી માતા-પુત્રી અને અન્ય મહિલાની શોધખોળ મોડી રાત્રી સુધી કરવા છતા કોઈ પત્તો મળવા પામ્યો ન હતો.

આજે વહેલી સવારે ફરી રેસ્કયુ ઓપરેશન હાથ ધરતા સવારે પ્રથમ લાશ માતા ભારતીબેન ગોવિંદભાઈ સોલંકી (ઉ.40) રે. લાઠ અને ગામના પાદરમાં આવેલ ચેકડેમના કાંઠે ઝાડીમાંથી દિકરી સંજનાબેન ગોવિંદભાઈ સોલંકી (ઉ.18) અને શાન્તાબેન રાજાભાઈ રાઠોડ (ઉ.60) રે. લાઠની લાશની શોધખોળમાં ચુડવા ગામ ચેકડેમ નજીક 600 મીટર દુર ઝાડીમાંથી મળી આવી છે. લાપત્તા ત્રણેય મહિલાઓની લાશ મળી હતી. આ બનાવથી ચુડવા તેમજ માણાવદર ઉપલેટાના લાઠ ગામે ગમગીની છવાઈ જવા પામી છે.

ગ્રામ્યજનોના કહેવા મુજબ એકાએક વાદળ ફાટયુ હોય તેમ માત્ર 22 મીનીટમાં 3 ઈંચ વરસાદ તુટી પડતા બારે મેઘ ખાંગા થયા હોય તેમ ચોતરફ ઘોડાપુર પાણી ફરી વળતા આ દુર્ઘટના ઘટી હતી. છકડો રીક્ષા પણ પાણીના ઘોડાપુરમાં 500 મીટર દુર તણાઈ ગઈ હતી.

આ સમાચારને શેર કરો