જો કરી ! વાંકાનેરના ભાયાતી જાંબુડીયામાં સરપંચ અને સભ્યોના કોઈ ઉમેદવાર જ ન રહીયા !!!

સરપંચ અને સભ્યોમાં ભરેલા તમામ ફોર્મ પાછા ખેંચી લીધા, હવે ચૂંટણી નહીં યોજાય : ગામ સમરસ કરવા માટે લેવાયો નિર્ણય

વાંકાનેર: હાલમાં ગ્રામ્ય રાજકારણ ગરમાયુ છે, કેમકે ગ્રામ પંચાયતોનો ચૂંટણીનો માહોલ ધીરે ધીરે જામતો જાય છે. કેટલીક જગ્યાએ ગામો સમરસ થયા છે, તો ઘણી બધી જગ્યાએ ભારે રસાકસીભરી ચૂંટણી બની રહેશે. જ્યારે કેટલાક ગામમાં તો રીતસર નેતૃત્વ કરવા માટેની હોડ લાગી હોય એવું લાગે છે.

આવા રાજકીય ગરમાગરમીના માહોલમાં કોઈ આખા ગામમાંથી સરપંચ અને સભ્યોનો કોઈ ઉમેદવાર જ ન મળે આવું કોઈ કહે તો માનવામાં આવે ખરું ? પણ હા આ હકીકત છે. વાંકાનેર તાલુકાના ભાયાતી જાંબુડિયા ગામમાં સરપંચ અને એક પણ વોર્ડમાં કોઇ ઉમેદવાર નથી !! ચારેકોર પડાપડી અને રાજ્ય દાવપેચના ખેલ ખેલાઈ રહ્યા છે ત્યારે ભાયાતી જાંબુડિયામાં શું કોઈ સરપંચ કે સભ્ય બનવા નથી માંગતું? ખરેખર આ નવાઈ પમાડે તેવી ઘટના છે…

અમારા ખાનગી માહિતી સ્ત્રોતમાંથી મળેલી માહિતી મુજબ ભાયાતી જાંબુડિયા ગામનું રાજકારણ સમરસ રાજકારણ છે, આ વખતે સમજૂતી મુજબ જે નક્કી થયું હતું, એમને ફોર્મ ભર્યા પહેલા અન્ય કોઈ વ્યક્તિ ફોર્મ ભરતા જેથી કરીને જેમને ફોર્મ ભરવાના હતા એ ગ્રૂપે ફોર્મ ભર્યા નહીં અને આ મામલો ગામની નિર્ણાયક સમિતિ સામે આવતા એવું નક્કી કરવામાં આવ્યું કે જે ફોર્મ ભરાયેલા છે તે બધા એ પાછા ખેંચી લેવા જેથી ગામની પરંપરા જળવાઈ રહે અને ગામ સમરસ થાય. આથી જે લોકોએ ફોર્મ ભર્યા હતા તે તમામે ફોર્મ પાછા ખેંચી લીધા…

આમ ગામમાં વાદવિવાદ ન થાય, સમજૂતી ભર્યું રાજકારણ રહે અને ગામ સમરસ થાય એ માટે સમજૂતી પૂર્વક સરપંચ અને તમામ સભ્યોનાં ફોર્મ પાછા ખેંચ્યા હતા. હાલમાં ભાયાતી જાંબુડીયા ગામમાં ચૂંટણી નહીં યોજાય પણ હવે પછી ફરીથી જાહેરનામું બહાર પડશે અને ત્યારે ચૂંટણી થશે.

આ સમાચારને શેર કરો