Placeholder canvas

વાંકાનેર: નેશનલ હાઇવેના સર્વિસ રોડ પર ઢીચણ સમાણા પાણી ભરાયા.

અહીંથી પસાર થતા લોકો પરેશાન છે, અધિકારીઓ વાતાનુકૂલિત ચેમ્બરમાં આરામ ફરમાવે છે. ત્યારે લોકો પૂછે છે નેતા કઇ ગુફામાં છુપાયા છે ?

વાંકાનેર: 27 નેશનલ હાઈવે પર વાંકાનેરની ભાગોળે રેલવે બ્રિજ પાસે આવેલા સર્વિસ રોડ પર પાણીના નિકાલ બાબતનો વર્ષો જૂનો પ્રશ્ન છે અને જો એકીસાથે દોઢ બે ઇંચ વરસાદ પડી જાય તો નેશનલ હાઇવે બ્લોક થઈ જાય છે. છેલ્લા પાંચેક વર્ષથી આવું બનતું રહ્યું છે પરંતુ આજે પાંચ વર્ષ બાદ પણ આ સમસ્યાનું નિરાકરણ આવ્યું નથી.

27 નેશનલ હાઈવે પર પશ્ચિમ દિશામાં સર્વિસ રોડ ઉપર ઢીચણ સમાણા પાણી ભરાયા છે ત્યાં રાહદારીઓને તો ઠીક પણ મોટરસાયકલ ને પણ ચલાવવું મુશ્કેલ બની રહ્યું છે. આ બાબતે થોડા દિવસો પૂર્વે જ રજૂઆત કરવામાં આવી હતી પણ એમનું કોઇ નિરાકરણ આવ્યું નથી અત્રે એ પણ ઉલ્લેખનીય છે કે આ સર્વિસ રોડની બાજુમાં જ રેલવેના નવા ટ્રેકનું કામ ચાલુ છે અને આ પાણીના નિકાલ માટે રેલવેના કોન્ટ્રાક્ટરે ગટર પણ કરી છે પરંતુ તેમનું લેવલ સર્વિસ રોડ કરતાં બે ફૂટ ઊંચું રાખેલ છે જેથી આ સર્વિસ રોડ ના પરથી પાણીનો નિકાલ થઈ શકતો નથી અને સર્વિસ રોડ ઉપર દોઢથી બે ફૂટ જેટલું પાણી ભરાયેલું રહે છે જેના કારણે અહીંથી પસાર થતા રાહદારીઓને ભારે હાલાકી ભોગવવી પડી રહી છે.

આ લોકોની મુશ્કેલી સામે તંત્ર આંખ મિચામણા કેમ કરી રહ્યો છે ? અને અધિકારીઓ પોતાની વાતાનુકૂલિત ચેમ્બરમાં આરામ ફરમાવી રહ્યા હોય અને તેમને લોકોને આવી હાલાકીની કોઈ દરકાર ન હોય એવું લાગી રહ્યું છે. આજે તંત્ર લોકોના પ્રશ્ને ધ્યાન આપતું નથી ત્યારે ચૂંટણી દરમિયાન મોટા મોટા વચનો આપનાર અને લોકોને ઉલ્લુ બનાવીને પોતાનો ઉલ્લુ સિદ્ધ કરનાર નેતાઓ આજે કઇ ગુફામાં જઈને બેઠા છે ? તેમનું સરનામું લોકો માંગી રહ્યા છે. કેમકે આજે લોકોને પોતાને પડી રહેલી આવી હાલાકી બાબતે આગેવાનોની જરૂર છે ત્યારે આગેવાનો સામેથી તો નથી આવી રહ્યા પણ મળતા પણ નથી ! આવું આ રસ્તા ઉપર પસાર થઈ રહેલા રાહદારીઓને કહેવું છે.

હજુ તો ચોમાસુ જામ્યું નથી ત્યારે જો સર્વિસ રોડ ઉપર દોઢથી બે ફૂટ પાણી ભરાઇ જતા હોય તો ભારે વરસાદ પડશે ત્યારે કેવી પરિસ્થિતિ નિર્માણ થશે, તેમનો અંદાજ લગાવવો મુશ્કેલ છે. જો તંત્ર અને નેશનલ હાઇવે ઓથોરિટી આ બાબતે ધ્યાન નહીં આપે તો ભારે વરસાદ દરમિયાન નેશનલ હાઈવે બંધ થઈ જશે અને વાહનોની મોટી મોટી લાઇનો જોવા મળશે.

આ બાબતે નેશનલ હાઇવે ઓથોરિટી અને રેલવેના કોન્ટ્રાક્ટરે સાથે મળીને આ પાણીનો ઝડપી નિકાલ કરે તેવી લોકોની માગણી છે જો તંત્ર આવું કરવામાં નિષ્ફળ જશે લોકો આગામી દિવસોમાં ગાંધી ચિંધ્યા માર્ગે આંદોલન કરશે અને જરૂર પડશે તો હાઇવે બ્લોક કરી દેવામાં આવશે એવું અંદરના વર્તુળોમાંથી જાણવા મળ્યું છે.

વોટ્સએપ:-
આ ઉપરાંત કપ્તાનના વોટ્સએપ ગ્રુપમાં જોડાવા માટે નીચે બ્લુ કલરમાં અંગ્રેજીમાં લખેલ લિંક પર ક્લિક કરો…..

https://chat.whatsapp.com/Jse1BNncG9P7UIplHGIPcK

આ ઉપરાંત આપ કપ્તાનના ફેસબુક પેજ, ટ્વીટર, ટેલિગ્રામ, સિગ્નલ અને ઇન્સ્ટાગ્રામ મા પણ જોડાઈ શકો છો…

આ સમાચારને શેર કરો