Placeholder canvas

પોલીસે ઢોર માર માર્યાનો આક્ષેપ: પોલીસ કોન્સ્ટેબલે આરોપીનો પગ ભાંગી નાખ્યાનો આક્ષેપ

રાજકોટ શહેરમાં ત્રણ દિવસ અગાઉ પેડક રોડ ઉપર આવેલી હોટલના સંચાલક સાથે મારામારીના બનાવના આરોપીને બી ડિવિઝનના ડી સ્ટાફના કોન્સ્ટેબલ મહેશ મંઢ દ્વારા ઢોર માર મારવામાં આવ્યો હોવાનો આક્ષેપ આરોપી દ્વારા કરવામાં આવ્યો છે. આરોપી જીણાભાઈએ જણાવ્યું હતું કે, હાર્દિક કુંગાશિયા અને મારા પુત્રને 7 તારીખે પેડક રોડ પાસે આવેલી ફરિયાદીની હોટલ પાસે બોલાચાલી થઈ હતી. જે બોલાચાલી ઉગ્ર બનતા વાત મારામારી સુધી પહોંચી ગઈ હતી.

આ દરમિયાન ઘટનાની જાણ થતા બી ડિવિઝન પોલીસને થતાં પોલીસ દ્વારા અમારી ધરપકડ કરવામાં આવી હતી. ત્યાં મને તેમજ મારા પુત્રને ડી સ્ટાફના રૂમમાં પોલીસે ઢોર માર માર્યો હતો. બી ડિવિઝન ડી સ્ટાફ કોન્સ્ટેબલ મહેશ મંઢ દ્વારા મને તથા મારા પુત્રને ઢોર માર મારવામાં આવ્યો હતો અને મારો એક પગ ભાંગી નાખવામાં આવ્યો છે. તેમજ વધુમાં પોલીસ જ નહીં પણ મહેશ મંઢ દ્વારા ફરિયાદી હાર્દિક કુંગાશિયાને ફોનમાં વીડિયો કોલ કરી મને તથા મારા પુત્રને માર ખાતા દેખાડવામાં આવ્યા હતા.

ત્યારબાદ હાર્દિક કુંગશિયા સહિત 3 વ્યક્તિઓ પોલીસ સ્ટેશન ખાતે આવ્યા અને મને બોલાવી ધોકા અને પાઈપ મારી હાર્દિક કુંગાશિયાના પગ દબાવડાવ્યા હતા અને હાર્દિક કુંગશિયાના સાગરીતો દ્વારા મારા પુત્રના કાનમાં સ્ટેપ્લર લગાવી ત્યારબાદ તેની પીન ખેંચી કહેતા હતા અને આવી રીતે મને તેમજ મારા પુત્રને બેફામ માર મારતાં મેં આ સમગ્ર બનાવની જાણ મેજિસ્ટ્રેટ સમક્ષ મને જ્યારે રજૂ કરવામાં આવ્યો ત્યારે મેં તેમને પણ કરી હતી.

બી ડિવિઝન પીઆઇનું કહેવું છે કે, ગઈકાલે છ આરોપીઓને કોર્ટમાં રજૂ કરવામાં આવ્યા હતા. તે પૈકી ત્રણ આરોપીઓએ કોર્ટમાં મહેશ મંઢ દ્વારા તેમને માર મારવામાં આવ્યો હોવાની ફરિયાદ કોર્ટ સમક્ષ જણાવી હતી. જે અંતર્ગત કોટે ત્રણેયને મેડિકલ ચેકઅપ માટે મોકલીયા હતા. બે આરોપીઓને ગંભીર ઈજા ન હોવાના કારણે તબિબના કહેવા બાદ તેમને જેલ હવાલે કરવામાં આવ્યા હતા. હાલ એક આરોપી સારવાર હેઠળ છે. સારવારમાં રહેલા આરોપીનું મેડિકલ રિપોર્ટ કોર્ટમાં સબમીટ થયા બાદ કોર્ટ આગળ જેમ કહેશે તેમ અમે કરીશું.

આ સમાચારને શેર કરો