કાકાને બચાવવા ગયેલી ભત્રીજીની હત્યા…
સિહોરનું વરલ ગામ પોલીસ છાવણીમાં ફેરવાયું, પોલીસ બંદોબસ્ત સાથે મૃતકની અંતિમયાત્રા નીકળી; 6 આરોપીઓની અટકાયત
ભાવનગર જિલ્લાના સિહોર તાલુકાના વરલ ગામમાં મોબાઈલ ટાવરની લીઝના પૈસા મામલે માથાકૂટ થઈ હતી. જેમાં ઝઘડામાં વચ્ચે પડેલી સગીરાની હત્યા નિપજાવાતા ગામમાં અજંપાભરી શાંતિનો માહોલ છવાયો છે. સગીરાની હત્યાના વિરોધમાં વરલ ગામ આજે સ્વયંભૂ બંધ રહ્યું હતું. ગામલોકો સગીરાની અંતિમયાત્રામાં જોડાયા હતા. કોઈ અનિચ્છિનીય બનાવ ન બને તે માટે અંતિમયાત્રા સમયે પણ ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો હતો. હાલ આખા ગામમાં તમામ રસ્તાઓ અને ચોકમાં પોલીસનો બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે. પોલીસને તમામને શાંતિ જાળવવા અપીલ કરી છે. આ મામલાના છ આરોપીઓની અટકાયત કરી વધુ તપાસ હાથ ધરવામાં આવી છે.
ભાવનગરના સિહોર તાલુકાના વરલ ગામમાં ખાનગી કંપનીનો મોબાઈલ ટાવર ઊભો કરવામાં આવ્યો હતો. જેની લીઝના પૈસા મામલે ગામના પૂર્વ સરપંચ લશ્કરભાઈ અને આરોપીઓ વચ્ચે ઝઘડો થયો હતો. આરોપીઓ જ્યારે લશ્કરભાઈ પર હુમલો કરી રહ્યા હતા ત્યારે જ નજીકમાં રહેલી તેની ભત્રીજી રાધિકા બારૈયા કાકાને બચાવવા માટે વચ્ચે પડી હતી. જેથી આરોપીઓએ છરીનો ઘા રાધિકાને મારી દેતા તેનું ઘટનાસ્થળે જ મોત નીપજ્યું હતું.
ગતરાત્રિએ સગીરાની હત્યાનો બનાવ બન્યા બાદ આજે મૃતકની અંતિમયાત્રા યોજવામાં આવી હતી. બનાવના પગલે ગામમાં કોઈ અનિચ્છનીય બનાવ ન બને તે માટે ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે. ભાવનગર એસપી પણ ખુદ વરલ ગામ પહોંચ્યા હતા અને સ્થિતિની સમીક્ષા કરી હતી. હત્યાના વિરોધમાં ગામલોકોએ આજે ગામ સજ્જડ બંધ રાખ્યું હતું અને મૃતકની અંતિમયાત્રામાં જોડાયું હતું.