Placeholder canvas

લે બોલ ! ભર શીયાળામાં જ કેસર કેરી બજારમાં આવી: રૂ.501માં કિલ્લો વેંચાણી

ફળોનો રાજા એવી કેસર કેરીએ ઉનાળુ ફળ ગણાય છે અને ઉનાળામાં જ કેરી વેચાણ માટે બજારમાં આવતી હોય છે. આ વખતે વાતાવણમાં બદલાવ કે પછી અન્ય કોઈ કારણોસર ઉનાળાને બદલે ભર શિયાળે આંબામાં કેરીનો ફાલ આવતા કેરીના આંબા ધરાવતા ખેડૂતોથી લઈને વેપારીઓ સહિત સૌ કોઈ માટે આ બાબતને લઈને ભારે કુતૂહલ સાથે આશ્ચર્ય જોવા મળી રહ્યું છે.

પોરબંદરના બિલેશ્વર અને ખંભાળા સહિતના ગામોમાં આ વર્ષે બે ત્રણ મહિના પહેલા આંબામાં કેરીના મોર જોવા મળી રહ્યાં છે. કોઈક આંબામાં તો કેરીની આવક થતા આજે પોરબંદર માર્કેટિંગ યાર્ડ ખાતે કેસર કેરીનું આગમન થયુ હતું. ત્રણ કેરેટ કેરી અટેલે કે, 60 કિલો કેરીની આવક થતા કેસર કેરીની હરાજી કરવામાં આવી હતી. ભર શિયાળે કેસર કેરી આવતા કેરીના વેપારીએ ગુલાબ અને પેંડા વેચીને કેરીને આવકારી હતી અને હરાજી વખતે મોટી સંખ્યામાં લોકોના ટોળા વળ્યા હતા. સાડા ત્રણસો રૂપિયા કિલોથી શરુ થયેલી હરાજી આખરે 501 રૂપિયે કિલો કેરીનો ઉંચો ભાવ બોલાયો હતો. પ્રથમ વખતની હરાજીમાં જ કેરીનો 501 જેટલો ઉંચો ભાવ મળતા વેપારીઓ અને ખેડૂતોમાં ખુશી જોવા મળી હતી.

પોરબંદર જિલ્લાના બિલેશ્વર, ખંભાળા તેમજ કાટવાણા સહિતના ડેમ કાંઠે આવેલા ગામોની જમીનને જાણે કે આંબાનો પાક માફક આવી ગયો હોય તેમ છેલ્લા થોડા વર્ષોથી અહી મબલખ કેસર કેરીનું ઉત્પાદન થાય છે. પોરબંદર જિલ્લાના આ સ્થાનિક ગામોની કેસર કેરીની ગુણવંતા અને ફળ મોટુ હોવાથી સ્થાનિક બજારમાં તેની ભારે માંગ રહેતી હોય છે. આમ તો દરવર્ષે ઉનાળામાં માર્ચ મહિનાથી કેરીની આવક બજારમાં થતી હોય છે. પરંતુ આ વખતે ભર શિયાળે કેસર કેરીની અમુક આંબાઓમાં ફાલ આવતા કેરીનું વાવેતર કરનાર ખેડૂતો પણ આશ્ચર્યમાં મુકાયા છે. તો સાથે આટલા મહિના પહેલા કેરીના મોટા ફળ આંબામાં પાકતા ખેડૂતોમાં ખુશી પણ જોવા મળી રહી છે.

આ સમાચારને શેર કરો