Placeholder canvas

રાજકોટમાં દારૂ પીઇને પાડોશીઓને ત્રાસ આપનારને મહિલાએ બરાબરનો પાઠ ભણાવ્યો

રાજકોટમાં ગઈકાલે નિર્મલા રોડ નજીક તિરુપતિનગર સોસાયટીમાં 8થી વધુ શખ્સો દારૂની મહેફિલ માણી રહ્યા હતા. ત્યારે પાડોશમાં રહેતી મહિલાઓએ દારૂની પાર્ટી કરતા શખ્સોને તેમના ઘરમાં જ તાળું મારી પૂરી દીધા હતા. બાદમાં પોલીસને જાણ કરતા ગાંધીગ્રામ પોલીસની ટીમ દોડી આવી હતી અને ત્રણ આરોપીને ઝડપી લીધા હતા. આજે પોલીસે ત્રણેય આરોપીઓને ઘટનાસ્થળે લાવી રિ-કન્ટ્રક્શન કરાવ્યું હતું. પાડોશમાં રહેતી રૂપલ ભરવાડે જણાવ્યું હતું કે, થોડા દિવસમાં આ તમામ આરોપીઓ છૂટી જશે. બાદમાં અમને કંઈ કરશે તો અમારું કોણ? અમને પોલીસ પ્રોટેક્શન આપે તેવી અમારી માગ છે. મહિલાઓએ એવો પણ આક્ષેપ કર્યો હતો કે, દારૂ પીને અમારા વિસ્તારના લોકોને ત્રાસ આપતા હતા.

સ્થાનિક મહિલા રૂપલ ભરવાડે જણાવ્યું હતું કે, અમારી એક જ માગ છે કે ન્યાય જોઇએ છે. અમારા ઘરની બાજુમાં હવે આવું ન બનવું જોઇએ. દારૂ ન પીવો જોઇએ અને ન પીવડાવવો જોઇએ. અમારા વિસ્તારમાં કોઈ પણ દારૂ કે ડ્રગ્સ આવવું ન જોઈએ. અમારે સલામતિ જોઇએ છે કારણ કે મારે ઘરની બહાર નીકળવું છે. અમારા ઘરમાં બાળકો અને વડીલો છે. અમારે પૂરેપૂરૂ પોલીસ પ્રોટેક્શન જોઇએ છે. અમારી જિંદગીનો સવાલ છે. આથી અમારે પૂરેપૂરૂ પ્રોટેક્શન જોઇએ છીએ. મકાન માલિક ધમકી પણ આપે છે કે, અમારું પોલીસ શું બગાડી લેશે. થોડા દિવસ પછી છૂટીને આવે તો અમારા પર ખાર રાખીને અમારા પર કઈ કરે તો શું? આથી અમારી એક જ માગ છે કે, અમને પૂરતો સપોર્ટ કરો.

આ શખ્સો સોસાયટીમાં અવારનવાર દારૂ પીવા આવતા હતા. સોસાયટીની મહિલાઓ ગઈકાલે આકરા પાણીએ થઈ હતી. દારૂની પાર્ટી કરતા શખ્સોને તેના જ ઘરમાં પૂરી બહારથી મહિલાઓએ તાળું મારી દીધું હતું. બાદમાં પોલીસને જાણ કરાતાં ગાંધીગ્રામ પોલીસ દોડી આવી હતી. પોલીસે દારૂની બોટલ સહિતનો મુદ્દામાલ કબજે કરી આગળની કાર્યવાહી હાથ ધરી હતી.

આ સમાચારને શેર કરો