Placeholder canvas

હીરાસર એરપોર્ટ પરથી 15 ઓગસ્ટે પહેલી ફ્લાઈટ ઉડાડવા કવાયત

હંગામી ટર્મિનલ બિલ્ડિંગ બનાવી ઑગસ્ટથી હિરાસર એરપોર્ટ શરૂ કરવા તડામાર તૈયારીઓ

વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો ડ્રીમ પ્રોજેક્ટ રાજકોટના ગ્રીનફિલ્ડ એરપોર્ટ પરથી આગામી 15 ઓગસ્ટ 2022 ના રોજ પ્રથમ ફલાઇટઓપરેટ થશે.જો બધું જ સમુસુમુ પાર ઉતરી જશે તો 15 મી ઓગસ્ટ રાજકોટ માટે ઐતિહાસિક ઘટના બનશે જેના માટે વહીવટીતંત્ર ઊંધા માથે કવાયત કરી રહ્યું છે.

15મી ઓગસ્ટ સ્વતંત્ર પર્વના દિવસે રાજકોટ ના ઇન્ટરનેશનલ હીરાસર એરપોર્ટ પરથી પ્રથમ ફ્લાઇટને ઓપરેટ કરવા માટેની તૈયારીઓ પુરજોશમાં ચાલી રહી છે જોકે આ બાબતે એરપોર્ટ ઓથોરિટીના સૂત્રો એવું જણાવ્યું હતું કે, અમને આ બાબતે સત્તાવાર જાણ કરવામાં આવી નથી પરંતુ હીરાસર એરપોર્ટ માટે કામ કરી રહેલી ઇજનેરી ટીમને આ અંગેની મૌખિક સૂચના અપાઇ હોવાનું સુત્રોમાંથી જાણવા મળી રહ્યું છે. હાલમાં ચાલી રહેલી ટર્મિનલ અને રન વે કામગીરીમાં હવે 30 થી 35 ટકા બાકી છે.જો નિર્વિઘ્ને કામ પૂરું થઈ જશે તો સંભવત 15 મી ઓગસ્ટ એ રાજકોટ માટે ઐતિહાસિક ઘડી હશે અને પ્રથમ ફ્લાઇટ આવાગમન થશે અને વડાપ્રધાન મોદીનું સ્વપ્ન સાકાર થશે સાથોસાથ રાજકોટવાસીઓ માટે પણ આ દિવસ સોનેરી અક્ષરોમાં અંકિત થશે.

નિર્માણાધિક આ એરપોર્ટ રેઈન વોટર હાર્વેસ્ટિંગ સીસ્ટમ, ગ્રીન બેલ્ટ તથા સોલાર પાવર સીસ્ટમ પણ હશે. તેનાં પ્રથમ તબક્કાનું કામ ઓગષ્ટ 2022 સુધીમાં પૂરું થઈ જવાનો એરપોર્ટ ઓથોરિટીનો અંદાજ છે. જો બધું સમયસર પાર ઉતરતું રહે તો આગામી ઓગસ્ટમાં રન-વે પર એરક્રાફટ લેન્ડિંગ અને ટેઈક ઓફની ટ્રાયલ લેવાશે તથા માર્ચ 2023 માં ઈન્ટરનેશનલ એરપોર્ટ ધમધમતું થઈ જશે. આંતરિક વર્તુળોમાં એવી ચર્ચાઓ પણ થઇ રહી છે કે જો ઓગસ્ટ મહિના સુધીમાં મુખ્ય ટર્મિનલ બિલ્ડીંગ નું કામ પૂરું નહીં થશે તો હંગામી ધોરણે ટર્મિનલ નું બિલ્ડીંગ બનાવવામાં આવશે.

અત્રે ઉલ્લેખનીય છે કે રાજકોટમાં ઈન્ટરનેશનલ એરપોર્ટ બની જવાથી લોકોની સાથે સાથે ખાસ કરીને અહીંના ઉદ્યોગોને ખાસ્સો ફાયદો મળશે કેમ કે તેઓ સીધા રાજકોટથી જ વિદેશની ઉડાન ભરી શકશે. અત્યારે લોકોએ મુંબઈ, દિલ્હી થઈને જે તે દેશમાં જવું પડી રહ્યું છે પરંતુ આંતરરાષ્ટ્રીય એરપોર્ટ બની ગયા બાદ તેઓ વિવિધ દેશની ફ્લાઈટ અહીંથી જ લઈ શકશે. આ ઉપરાંત એરલાઈન્સની સંખ્યામાં પણ વધારો થઈ શકે છે. રાજકોટમાં એઈમ્સ અને આંતરરાષ્ટ્રીય એરપોર્ટ પૂર્વ મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીનું સ્વપ્ન હતું જે સાકાર થઈ રહ્યું હોવાથી લોકો ઝડપથી બન્ને સુવિધાઓ શરૂ થાય તેવી પ્રબળ ઈચ્છા રાખી રહ્યા છે.

આ સમાચારને શેર કરો