સુરતમાં કોંગ્રેસ બદસુરત: કોંગ્રેસના દિગ્ગજો હાર્યા, પંજા પર આપનું ઝાડું ફરી વળ્યું

સુરત મહાનગરપાલિકાની ચૂંટણીમાં કોંગ્રેસની જડતાપૂર્વકના વલણને કારણે રકાસ થયો છે. 120 બેઠકની ચૂંટણીમાં કોંગ્રેસને એકપણ સીટ મળી નથી. પાસ દ્વારા કોંગ્રેસ પાસે બે ટિકિટ માંગવામાં આવી હતી. જેમાં એક ધાર્મિક માલવિયા અને બીજી એડવોકેટ સંજય ધોરાજીયાના પત્ની વિલાસ ધોરાજીયા માટે ટિકિટ મંગાયેલી હતી.કોંગ્રેસે છેક સુધી વિલાસબેનને મેન્ડેટ આપવાની વાત કરેલી અને અંતે કોંગ્રેસે પાસની પીઠમાં ખંજર ભોંક્યું હોય તેમ મેન્ડેટ ન આપતાં પાસના ધાર્મિકે ફોર્મ ભર્યું નહોતું.જેથી પાસ કોંગ્રેસથી વિમુખ થઈ અને આજે તેના પરિણામે કોંગ્રેસનો સુરતમાંથી રકાસ થયો છે.

સુરતમાં 30 વર્ષ પછી કોંગ્રેસને એકપણ બેઠક મળી નથી. છેલ્લી છ ટર્મથી જીતતા કોંગ્રેસના દિગ્ગજ નેતા ભૂપેન્દ્ર સોલંકીની સાથે વિપક્ષનેતા પપન તોગડિયા સહિતના નેતાઓ હારી જતાં કોંગ્રેસ જડમૂળમાંથી પાલિકામાંથી નીકળી ગઈ છે. 36 બેઠકો ગત વખતે મેળવનાર કોંગ્રેસ હાલ શૂન્યથી આગળ વધી શકી નથી.

કોંગ્રેસ આઉટ,આપ ઈન
પાલિકામાંથી કોંગ્રેસનો સંપૂર્ણ રકાસ થઈ ગયો છે. ભાજપને આપ અને કોંગ્રેસની લડાઈનો ફાયદો ચોક્કસ થયો છે. જોકે સૌથી વધુ વકરો એટલો નફો આપને થયો છે. આપની સીટ બે આંકડામાં માનવામાં આવતી હતી ત્યાં રાજકીય પંડિતો પણ ખોટા સાબિત થયા છે અને આપની સીટો 27 બેઠકો જીતવામાં સફળ રહ્યું છે. જ્યારે ગત વિધાનસભામાં કોંગ્રેસે જીતેલી 36 બેઠકમાંથી હાલ શૂન્ય પરથી કોંગ્રેસ આગળ વધી શકી નથી. સૌથી વધુ ગુજરાતમાં આપની બેઠકો સુરતમાં મળી છે. સુરત પાલિકામાં વિરોધ પક્ષમાંથી કોંગ્રેસ આઉટ થઈ છે અને ત્યાં હવે આપના કાઉન્સિલરો બેસશે.

સુરત મ્યુનિસિપલ કોર્પોરેશનની ચૂંટણીમાં આ વખતે ફરી ભાજપ 93 બેઠક જીતીને સત્તા પર આવ્યો છે, પરંતુ આ ચૂંટણીનાં પરિણામોમાં સૌથી ચોંકાવનારું પરિબળ કોંગ્રેસનો કરુણ રકાસ અને આમ આદમી પાર્ટીને મળેલી 27 બેઠકો છે. આ ચૂંટણીએ સુરતમાં કોંગ્રેસનું રીતસર નામું નાંખી દીધું છે અને કોંગ્રેસને 26 વર્ષ પાછળ ધકેલી દીધી છે. અગાઉ સુરતમાં કોંગ્રેસની આટલી કારમી સ્થિતિ 1995ની મ્યુનિ. ચૂંટણીમાં કોંગ્રેસને 99માંથી એકેય બેઠક મળી નહોતી. એ ચૂંટણીમાં ભાજપનો 98 બેઠક પર વિજય થયો હતો અને બાકીની એક બેઠક પણ અપક્ષના ફાળે ગઈ હતી.

આ સમાચારને શેર કરો