Placeholder canvas

રાજકોટમાં મુસાફરો સાથે સિટી બસ પહોંચી સિવિલ હોસ્પિટલમાં. કેમ? જાણવા વાંચો…

રાજકોટમાં મહિલા કન્ડક્ટર ટિકિટ કાપતાં કાપતાં બેભાન થઈ જતા ડ્રાઇવરે તરત જ બસ સિવિલ હોસ્પિટલ દોડાવી, બે હાથથી ઊંચકી ઇમર્જન્સી વોર્ડ સુધી લઈ ગયો…

રાજકોટમાં ઘંટેશ્વર એસઆરપી કેમ્પથી કોઠારિયા ચોકડી રૂટની સિટી બસમાં મહિલા કન્ડક્ટર ટિકિટ કાપતા હતા અને અચાનક ચક્કર આવતાં બેભાન થઈ ગયાં હતાં, આથી અંદર રહેલા મુસાફરોએ મહિલા કન્ડક્ટરને ચક્કર આવ્યાની ડ્રાઇવરને જાણ કરી હતી. ડ્રાઇવરે કોઈપણ જાતનો વિલંબ કર્યા વિના બસ સિવિલ હોસ્પિટલ તરફ દોડાવી મૂકી હતી.

સિવિલ હોસ્પિટલ સિટી બસ પહોંચતાં લોકોમાં આશ્ચર્ય થયું હતું. જોકે બાદમાં બસમાંથી મહિલા કન્ડક્ટરને મહિલા મુસાફરોએ નીચે ઉતારી હતી. બાદમાં ડ્રાઇવરે બે હાથથી ઊંચકી મહિલા કન્ડક્ટરને ઇમર્જન્સી વોર્ડ સુધી લઈ ગયો હતો. મહિલા કન્ડક્ટરે આજે સવારે નાસ્તો ન કર્યો હોવાથી તેની તબિયત લથડી હોવાનું જાણવા મળ્યું છે.

રામાપીર ચોક નજીક રહેતી છાયાબેન લીંબાણી 15 દિવસ પહેલાં જ સિટી બસમાં મહિલા કન્ડક્ટર તરીકે નોકરીએ જોડાયા છે, પરંતુ આજે સવારે તેઓ નાસ્તો કર્યા વિના ફરજ પર હાજર થયાં હતાં, આથી તેમની તબિયત લથડી હતી. જોકે સિટી બસના ડ્રાઇવરની સતર્કતાથી મહિલા કન્ડક્ટરને તાત્કાલિક સારવાર મળી હતી. છાયાબેનની તબિયત હાલ સુધારા પર છે. ડોક્ટરોએ છાયાબેનના બીપી, શુગર સહિતના રિપોર્ટ કર્યા હતો, પરંતુ તમામ રિપોર્ટ નોર્મલ આવ્યા છે. છાયાબેન આજે સવારે ભૂખ્યા હોવાથી ચક્કર આવ્યા હોય એવું તારણ તબીબોએ આપ્યું છે.

સિટી બસના ડ્રાઇવર દિનેશ જેઠવાએ જણાવ્યું હતું કે મારો ઘંટેશ્વર એસઆરપી કેમ્પથી કોઠારિયા ચોકડી સુધીનો રૂટ છે. આજે સવારે બસ જિલ્લા પંચાયત ચોક પહોંચી હતી ત્યારે આ બનાવ બન્યો હતો. મહિલા કન્ડક્ટર બસમાં મુસાફરોની ટિકિટ કાપતાં હતાં ત્યારે તેમને ચક્કર આવ્યા હતા. બાદમાં તેઓ બેભાન થઈ ગયાં હતાં, આથી હું તેને ડાયરેક્ટ સિવિલ હોસ્પિટલ લઈ આવ્યો હતો.

છાયાબેન બસની અંદર બેભાન થઈ જતાં મહિલા મુસાફરોએ તેને ભાનમાં લાવવા પ્રયાસ કર્યો હતો તેમજ બસ જ્યારે સિવિલ હોસ્પિટલ પહોંચી ત્યારે પણ મહિલા મુસાફરોએ તેમને બસમાંથી નીચે ઉતાર્યાં હતાં. બસમાંથી નીચે ઉતારતી વખતે છાયાબેન લથડિયા ખાતાં હતાં. જોકે મહિલા મુસાફરોએ તેમને સંભાળી લીધાં હતાં. બાદમાં ડ્રાઇવરે તેમને ઊંચકી સ્ટ્રેચર પર સૂવડાવી ઇમર્જન્સી વોર્ડમાં ખસેડ્યા હતા.

આ સમાચારને શેર કરો