રાજકોટના પાદરમાં છેલ્લા 25 દિવસથી સિંહ ત્રિપુટીના ધામા

ગામડાઓમાં રાત્રિસભાનું આયોજન કરવામાં આવી રહ્યું છે.
વનવિભાગ સતત સિંહોની ગતિવિધિ પર નજર રાખી રહ્યું છે

સિંહનું ઘર એટલે ગીર….. રાજકોટના સિમાડે છેલ્લા 25થી વધુ દિવસોથી ત્રણ સિંહે ધામા નાખ્યા છે. આ સિંહો માનવભક્ષી નથી જેથી તેને પાંજરે પણ પૂરી શકતા નથી. સિંહો આગળ આગળ અને વન વિભાગ પાછળ પાછળ દોડી રહ્યું છે. ત્યારે સિંહ સામે કેવી રીતે વર્તન કરવું અને શું ન કરવું તે માટે વન વિભાગ ખેડૂતો સાથે રાત્રિ સભા કરી અને પત્રિકા વિતરણ કરી સમજાવે છે. વનવિભાગ સતત સિંહોની ગતિવિધિ પર નજર રાખી રહ્યું છે. જો કે હજુ સુધી સિંહોએ માનવી પર હુમલો કર્યો નથી.

વનરાજાના આગમનથી ખેડૂતોમાં રાજીપા સાથે ભયનો માહોલ છે. કોંગ્રેસે ફોરેસ્ટ અને વહીવટી વિભાગ દ્વારા સિંહની ડણકથી ભયભીત ખેડૂતો અને પશુપાલકોની મદદે આવવાની માંગ કરી છે. બીજી તરફ ફોરેસ્ટ વિભાગ દ્વારા અલગ અલગ રીતે ખેડૂતોને જાગૃત કરવામાં આવી રહ્યાં છે. સરધાર અને કોટડાસાંગાણી પંથકમાં છેલ્લા 25 દિવસથી ત્રણ સિંહોની જોડીએ ડેરા નાખ્યા છે. આ સિંહોની જોડીને આ વિસ્તાર અનુકૂળ આવી ગયો હોય તેમ અહીં સિંહ વિહાર કરી રહ્યાં છે. ખેડૂતોના મુદ્દે જિલ્લા પંચાયતના પૂર્વ કારોબારી ચેરમેન અર્જુન ખાટરીયાએ ફોરેસ્ટ વિભાગ ખેડૂતોની વહારે આવે તેવી માંગ કરી છે અને જે પશુપાલકોના પશુઓનું મારણ થયું તેને તાત્કાલિક સહાય ચૂકવવાની પણ માંગ કરી છે.

આ સમાચારને શેર કરો