Placeholder canvas

રાજ્યની જિલ્લા પંચાયતોમાં પણ કાલથી વહિવટદાર શાસન

પદાધિકારીઓની ચેમ્બરોનો કબજો લઇ લેવાશે; સરકારી વાહનની સુવિધા ખતમ; વહિવટદાર રૂટીન કામકાજ જ કરી શકશે

રાજ્યની જિલ્લા પંચાયતોમાં આજે ચૂંટાયેલા પ્રતિનિધિઓનો આજે છેલ્લો દિવસ છે. આવતીકાલથી રાજકોટ સહિત રાજ્યની મોટાભાગની જિલ્લા પંચાયતોમાં જિલ્લા વિકાસ અધિકારીઓનું શાસન આવી જશે. સ્થાનિક સ્વરાજ્યની ચૂ્ંટણીઓ ફેબ્રુઆરી માસમાં યોજવામાં આવે ત્યાં સુધી વહીવટદાર શાસન રહેશે તેવું જાણવા મળેલ છે.

ગુજરાત રાજ્ય સરકારે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ યોજવા માટે સુપ્રિમ કોર્ટના આદેશ બાદ તડામાર તૈયારીઓ શરુ કરી છે. આમ તો કોરોના મહામારી ન હોત તો સામાન્ય ચૂંટણીઓ નવેમ્બર માસના અંતમા્ં યોજી શકાય તેમ હતું પરંતુ કોરોના મહામારીના કારણે ગુજરાત રાજ્ય સરકારે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ મોકૂફ રાખી હતી. જે સામે સુપ્રિમ કોર્ટમાં રીટ કરવામાં આવી હતી. તાજેતરમાં સુપ્રિમ કોર્ટે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી ફેબ્રુઆરી માસ સુધીમાં યોજી લેવાનો આદેશ કરતાં ગુજરાત રાજ્ય સરકારે ચૂંટણી યોજવા માટેની તૈયારી શરુ કરવા રાજ્ય ચૂંટણી પંચે કવાયત હાથ ધરી છે.

ગુજરાત રાજ્ય ચૂંટણી પંચ આગામી ફેબ્રુઆરી માસમાં તાલુકા, જિલ્લા પંચાયત, નગરપાલિકા અને છ મહાનગરપાલિકાની ચૂંટણીઓ યોજવા કટિબધ્ધ બન્યું છે અને તે સંદર્ભે જે નગરપાલિકા અને મહાનગરપાલિકાઓમાં ચૂંટાયેલા પ્રતિનિધિની મુદત પૂર્ણ થતા આવી તમામ સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓમાં વહીવટદાર શાસન મુકી દીધું હતું. મહાનગરપાલિકાઓમાં કમિશનરને વહીવટદાર તરીકે મુકયા છે જ્યારે તાલુકા પંચાયતોમાં તાલુકા વિકાસ અધિકારીઓને વહીવટદાર તરીકે મુકવાનો હુકમ કરવામાં આવ્યો છે.

રાજ્યની મોટાભાગની જિલ્લા પંચાયતોમાં આવતીકાલે જિલ્લા વિકાસ અધિકારીઓનું શાસન આવી જશે. આજે ચૂંટાયેલા પ્રતિનિધિ અને પદાધિકારીઓના શાસનનો આજે છેલ્લો દિવસ છે. આવતીકાલથી રાજકોટ સહિત રાજ્યની મોટાભાગની જિલ્લા પંચાયતોમાં રાજ્ય સરકારે જિલ્લા વિકાસ અધિકારીઓને વહીવટદારનો ચાર્જ સોંપ્યો છે પરંતુ વાહીવટદાર રૂટીન કામકાજ કરશે. કોઇ નીતિ વિષયક નિર્ણયો લઇ શકશે નહીં. આ પરિસ્થિતિ ફેબ્રુઆરી માસ સુધી કે જયાં સુધી ચૂંટણી ન યોજાય ત્યાં સુધી યથાવત રહેશે. આવતીકાલે તમામ પદાધિકારીઓની ચેમ્બરનો કબજો લઇ લેવાશે અને અને સરકારી વાહનની સુવિધા પણ પરત ખેંચી લેવામાં આવશે તેવું રાજ્ય ચૂંટણી પંચના સુત્રોએ પત્રકારો સાથેની વાતચીતમાં જણાવેલ હતું.

આ સમાચારને શેર કરો